
સરકારને પણ મોંઘવારી નડી, રાજકોટના લોકમેળામાં સ્ટોલ સહિતના ભાડાંમાં પાંચ ટકાનો વધારો કરાયો
રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીનો સૌથી મોટો પાંચ દિવસનો લોક મેળો યોજાય છે. આમ તો સાતમ-આઠમના લોકમેળાઓ તો સૌરાષ્ટ્રના ગામેગામ યોજાતો હોય છે. પરંતુ રંગીલા રાજકોટનો મેળો કઈંક અનોખો જ હોય છે. ગામ-પરગામના અનેક લોકો લોકમેળાને મહાલવા માટે ઉમટી પડતા હોય છે. કોરોના કાળના બે વર્ષના લાંબા ગાળા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આગામી તા. 17 ઓગસ્ટથી પાંચ દિવસના ભાતીગળ લોકમેળાનું આયોજન કરાયું છે. જેના જુદા જુદા 338 જેટલા સ્ટોલના ફોર્મનું વિતરણ આગામી તા. 11ના સોમવારથી તા. 16 શનિવાર સુધી સવારનાં 11 થી 4 કલાક દરમિયાન કરાશે, આ વખતે સરકારને પણ મોંઘવારી નડી હોય તેમ લોકમેળાનાં સ્ટોલના ભાડામાં પાંચ ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જન્માષ્ટમીના આ પરંપરાગત-ભાતીગળ અને વિશ્વ પ્રસિધ્ધ લોકમેળામાં કેટેગરી-બી રમકડા સ્ટોલ 178, કેટેગરી-સી ખાણીપીણીના સ્ટોલ 144, કેટેગરી-જે મધ્યમ ચકરડીના પ્લોટ 4, કેટેગરી-કેજે નાની ચકરડીના પ્લોટ 28, કેટેગરી-કે2 નાની ચકરડીના પ્લોટ 20, જ્યારે કેટેગરી-એ ખાણીપીણી માટે બે મોટા પ્લોટ, બી-1 કોર્નર રમકડાનાં પ્લોટ 32, કેટેગરી યાંત્રિકના 6 પ્લોટ, કેટેગરી-એફ યાંત્રિકના 4 પ્લોટ, કેટેગરી-જી યાંત્રિકના 25 પ્લોટ અને કેટેગરી એચ યાંત્રિકનાં 9 પ્લોટ રહેશે. જેમાં કેટેગરી-બી-સી-જે-કે1 અને કે2ના પ્લોટ ડ્રો સિસ્ટમથી તા. 27 જુલાઇના સવારે 11 કલાકે રાજકોટ પ્રાંત-1ની કચેરી (જુની કલેક્ટર કચેરી ખાતે) યોજાશે. જ્યારે કેટેગરી-એ, બી1, ઇ, એફ, જી, એચના સ્ટોલોની હરરાજી કરાશે જેમાં તા. 28નાં કેટેગરી-એ અને બી1 તેમજ તા. 29નાં કેટેગરી-ઇ,એફ, જી અને એચના સ્ટોલની હરરાજી પ્રાંત-1 જુની કલેક્ટર કચેરી ખાતે યોજાશે. લોકમેળા માટે આઈસ્ક્રીમ ચોગઠા (કેટેગરી-ઝેડ)ની હરરાજી તા. 30-7નાં યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ લોકમેળાના ફોર્મની કિંમત વહીવટી તંત્ર દ્વારા રુા. 100 નિયત કરવામાં આવી છે. કેટેગરી-જે, કે1, કે2નું ફોર્મ ભરનારા આસામીએ રાજકોટ મ્યુનિ,કોર્પોરેશનના રેસકોર્સ મેદાન ખાતેના એલોટમેન્ટ લેટર રજૂ કર્યો હશે તેવા આસામીના ફોર્મ સ્વીકારવામાં આવશે. એક એલોટમેન્ટ લેટર ગમે તે એક જ કેટેગરીમાં એક ફોર્મ રજૂ કરી શકશે એટલે કે કેટેગરી જે-કે1-કે2માંથી એક કેટેગરીમાં ફોર્મ ભરી શકશે. જો કેટેગરીમાં ફોર્મ ભરેલું હશે તો બંને ફોર્મ રદ કરવામાં આવશે. કેટેગરી-જે તથા કે1, કે2 માટેના પ્રવેશ દર રૂપિયા. 20 નિયત કરાયેલા છે જ્યારે કેટેગરી ઇ-એફ-જી-એચ યાંત્રિક રાઇડસમાં મોટેરાઓ માટેની ટીકીટ મહતમ રૂપિયા. 30 નિયત કરવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના લોકમેળામાં રમકડા અને ખાણીપીણીનાં સ્ટોલનું ભાડું રૂપિયા. 30-30 હજાર નિયત કરાયું છે જ્યારે ચકરડીનાં મોટા પ્લોટ 14 બાય 24ના ચાર પ્લોટ માટેનું ભાડુ 18 હજાર અને નાની ચકરડીના કે1 કેટેગરીના 28 જેટલા પ્લોટનું ભાડું રૂપિયા. 9000 નક્કી કરાયું છે. આ ઉપરાંત કે2 કેટેગરીનાં 20 સ્ટોલનું ભાડુ રૂપિયા. 12,500 તેમજ ખાણીપીણી માટેનાં 30 બાય 40નાં સ્ટોલનું ભાડુ 40,000 નિયત કરાયુ છે.
સ્ટોલની અપસેટ કિંમત 2 લાખ સુધીની રહેશે. આવી જ રીતે બી1 કોર્નર 15 બાય 15નાં 32 જેટલા પ્લોટનું ભાડુ 24હજાર નિયત કરાયું છે જેની અપસેટ પ્રાઇઝ 60 હજાર રહેશે. આ ઉપરાંત ચકરડી માટેના 50 બાય 50નાં છ જેટલા પ્લોટનું ભાડુ 50 હજાર નિયત કરાયુ છે. જેની અપસેટ પ્રાઇઝ 2.75 લાખ નિયત કરવામાં આવી છે. જન્માષ્ટમીનાં મેળાના આયોજન માટે વહીવટી તંત્ર તૈયારીઓ આરંભી દીધી છે. જો કે સ્ટોલના ભાડામાં પાંચ ટકાનાં ઝીંકાયેલા વધારાથી વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.