તમામ નાગરિકોને સામાજિક ન્યાય મળી રહે તે માટે કેન્દ્ર-રાજય સરકાર કટિબદ્ધઃ રામદાસ આઠવલે
અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ગુજરાતના વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ સરકાર દલિતો, આદિવાસી, રાજપૂત, પાટીદાર, જાટ, મરાઠા, હિંદુ-મુસ્લિમ એમ દરેક જાતિ-જ્ઞાતિ અને સંપ્રદાયની છે. તમામને સામાજિક ન્યાય મળી રહે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર કટિબદ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગરીબોના બેંક ખાતા નહોતા તેમના બેંક ખાતા કેન્દ્ર સરકારે જનધન યોજના અન્વયે ખોલાવી તેમને સીધી જ સહાય આપવાનું શરૂ કર્યુ છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અન્વયે ૫૦ હજાર થી રૂ.૧૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. નાનો-મોટો ધંધો-રોજગાર શરૂ કરનારને કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત ગરીબોને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેકશન અને આવાસ યોજના હેઠળ સહાય મળતા ઘરના ઘરનું સપનું સાકાર થયું છે.
આયુષ્યમાન યોજના હેઠળ પરિવારોને આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવી રહયું છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લીડરશિપ ખાતે છાત્ર સંસદ આયોજિત ભારતીય લોકશાહીમાં યુવાઓની ભૂમિકા વિષયક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.