
નવી દિલ્હીઃ શ્રીલંકા બાદ ભારતના વધુ એક પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી છે, નાણાં સંકટનો સામનો કરતા આ દેશમાં મોંઘવારીને પગલે લોકોનો જીવનનિર્વાહ પણ મુશ્કેલ બન્યો છે. ડુંગળીથી લઈને લોટ સહિતની જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં જોરદાર વધારો થયો છે. દૂધ-ચોખા જેવી વસ્તુઓ પણ પ્રજાને મળી નથી રહી, એટલું જ નહીં પાકિસ્તાન પાસે ગણતરીના દિવસો ચાલે એટલું જ અન્ન હોવાનું જાણવા મળે છે. જેથી પાકિસ્તાનની સરકાર અને પ્રજા દુનિયાના અન્ય દેશો પાસેથી મદદની આશા રાખી રહ્યાં છે. પાકિસ્તાનમાં મોંઘવારી દરમાં તોતીંગ વધારો થયો છે. એક વર્ષમાં મોંઘવારી દરમાં 21 ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે.
પાકિસ્તાનના મોટાભાગના શહેરોમાં ઘઉંના લોટની ભારે અછત ઉભી થઈ છે. લોકો રોટી માટે જીવ જોખમમાં મુકી રહ્યાં છે. અહીં લોટની બોરી માટે લોકો લડી રહ્યાં છે, એટલું જ નહીં લોકો હાથમાં પૈસા લઈને લોટની બોરિઓ ફરેલી ટ્રકો પાછળ દોડી રહ્યાં છે. અહીં લોટનો ભાવ વધીને રૂ. 150 સુધી પહોંચ્યો છે. પાકિસ્તાનમાં અન્નાજ લેવા માટે નડતી હાડમારીના વીડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર દેશમાં મોંઘવારી દરમાં ઉછાળો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2021માં 12.30 ટકાની સામે ડિસેમ્બર 2022માં મોંઘવારી દર વધીને 24.5 ટકા ઉપર પહોંચ્યો છે. ખાદ્યસામગ્રીમાં વધેલા ભાવને કારણે મોઘવારીના આંકડામાં વધારો જોવા મળ્યો છે. પાકિસ્તાનમાં ખાધ્ય મોંઘવારી દર 11.7 ટકાથી વધીને 32.7 ટકા સુધી પહોંચ્યો છે. એક વર્ષમાં ડુંગળીનો ભાવ રૂ. 36.7 થી વધીને 220.4 ઉપર પહોંચ્યો છે. આવી જ રીતે બોયલ ચિકનનો ભાવ 210થી વધીને 385.5 અને મીઠુનો ભાવ રૂ. 33થી વધીને રૂ. 50 ઉપર પહોંચ્યો છે.
બાસમતી ચોખાની કિંમત વર્ષમાં રૂ. 100થી વધીને 146, સરસિયાના તેલનો ભાવ 374.6થી વધીને 533, દૂધની કિંમત રૂ. 114.8થી વધીને 150 ઉપર પહોંચ્યો છે. થાળીમાંથી ઘઉંના લોટની રોટી ગાયબ થતા લોકો બ્રેડની ખરીદી કરવા મજબુર બન્યાં છે પરંતુ મુશ્કેલી એવી ઉભી થઈ છે કે, લોકોને બ્રેડ પણ સરળતાથી મળતી નથી. બ્રેટની કિંમત 65થી વધીને 89 ઉપર પહોંચી છે.