શનિવારે મેવેંજર્સ ત્રાટકશે, રાજ્યના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓનો મેળાવડો જામશે
- NIMCJના વિદ્યાર્થીઓ દ્વારા મીડિયોત્સવ-૨૦૨૬નું આયોજન
અમદાવાદ, 5 ફેબ્રુઆરી, 2026: The Mavengers નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા મીડિયોત્સવ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. ૭ ફેબ્રુઆરી, શનિવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે.

મેવેન્જર્સની થીમ સાથે મીડિયોત્સવની આ ત્રીજી સીઝનમાં ધોરણ ૧૨ તથા કોલેજના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અલગ-અલગ ૧૯ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લેશે. ન્યુઝ એન્કરીંગ, ડિબેટ, વક્તૃત્વ, ક્વીઝ, ફિલ્મ મેકિંગ, જિંગલ મેકિંગ, સાહિત્ય સર્જનની સ્પર્ધાઓ સાથે લેખન તથા ગ્રાફિક ડિઝાઈન-એનિમેશનના વર્કશોપનો પણ લાભ લેશે.
આ પણ વાંચોઃ આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વને ગુજરાતીમાં ઉતારવાનું ભગીરથ કાર્ય પૂર્ણ, હવે 15 ગ્રંથ ઉપલબ્ધ
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા, ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા રોનક કામદાર તથા પોડકાસ્ટર જય થડેશ્વર હાજર રહેશે. દરેક સ્પર્ધાઓના નિર્ણાયક તરીકે મીડિયા સહિતના જુદા-જુદા ક્ષેત્રોના નિષ્ણાતો સેવા આપશે.
કાર્યક્રમના સમાપન સમારંભમાં જાણીતા ફિલ્મમેકર અભિષેક જૈન પણ ઉપસ્થિત રહેશે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદિપ જૈન અને ટ્રસ્ટીગણ હાજરી આપશે. સ્પર્ધકો અને વિજેતાઓને પ્રમાણપત્ર તથા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સેન્ટર ફૉર પ્રોફેશનલ કોર્સીઝ, ગુજરાત સાહિત્ય અકાદમી, જમાવટ મીડિયા, ફૌજી બેગ્ઝ અને રિવોઇ મીડિયાનો અમૂલ્ય સહયોગ સાંપડ્યો છે.

મીડિયોત્સવ ૨૦૨૬ને સફળ બનાવવા સંસ્થાના નિયામક પ્રો.(ડૉ.) શિરીષ કાશીકર, નાયબ નિયામક ઈલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડૉ. ગરિમા ગુણાવત, રીતુ વર્મા, લાઈબ્રેરીયન માનસી સરવૈયા, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ કાર્યરત છે.


