- વરસાદને લીધે પરિક્રમાનો માર્ગ ધોવાઈ જતા પરિક્રમા સ્થગિત કરવામાં આવી હતી,
- પ્રતિકાત્મક પરિક્રમા વખતે જય ગિરનારીના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું,
- સાધુ-સંતોએ ગુરુ દત્તાત્રેયનું પૂજન કરી દિપ પ્રાગટ્ય બાદ પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ કર્યો
જૂનાગઢઃ દર વર્ષે કારતક મહિનાની દેવઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમા યોજાતી હોય છે. આ વર્ષે લીલી પરિક્રમાના 36 કીમીનો માર્ગ વરસાદને લીધે ધોવાઈ જતા વહિવટી તંત્રએ સાધુ-સંતો સાથે ચર્ચા કર્યા બાદ લીલી પરિક્રમા મુલત્વી રાખવામાં આવી હતી. લાખો શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જિલ્લા વહીવટી તંત્ર, સાધુ-સંતો અને પદાધિકારીઓએ સર્વસંમતિથી આ કઠિન નિર્ણય લેવો પડ્યો છે. જોકે, ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે દેવદિવાળીની મધ્યરાત્રિએ એટલે કે ગઈ મધરાત બાદ વિધિવત પૂજન-અર્ચન સાથે પરિક્રમાનું પ્રતિકાત્મક મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે સવારે મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો પરંપરા જાળવવા માટે ગિરનારની યાત્રા શરૂ કરી હતી. મોડીરાતે ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પરિક્રમા રદ કરાઈ હોવા છતાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો ગિરનાર તળેટીએ જોવા મળ્યો હતો.
જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે, પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ અને મુહૂર્ત જાળવવા માટે રાત્રે 12 વાગ્યે ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશદ્વારથી વિધિવત રીતે પ્રારંભ કરાયો હતો. પરંપરા મુજબ સૌપ્રથમ ભગવાન ગુરુ દત્તાત્રેયનું પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં દિપ પ્રાગટ્ય કરી અને શ્રીફળ વધેરીને શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિધિ દરમિયાન ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સાધુ-સંતો, કલેકટર, કમિશનર અને અલગ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ગિરનાર તીર્થક્ષેત્રના શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજા દેવી માતાજી, કિન્નર અખાડા અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાવિકો માટે આ વર્ષે લીલી પરિક્રમા મોકૂફ રખાઈ છે, પરંતુ ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરી હતી, જેમાં સાધુ-સંતો અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. વહેલી સવારે શરૂ થયેલી આ પ્રતિકાત્મક પરિક્રમા સાંજ સુધીમાં પૂર્ણ કરી હતી. આ વર્ષે પરિક્રમા રૂટ પર કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થયા છે.

