અમદાવાદના છેવાડાના વિસ્તારોના વિકાસ માટે મ્યુનિ.કોર્પોરેશન રૂપિયા 20 કરોડનો ખર્ચ કરશે
અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થતો જાય છે. હવે તો નવા અનેક વિસ્તારોને શહેરમાં મર્જ કરવામાં આવ્યા છે. અને તેના વિકાસ માટે પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.મ્યુનિ. હદમાં નવા સમાવાયેલાં વિસ્તારો અને તે વિસ્તારોના ગામતળમાં વિવિધ પ્રકારના નાનામોટા કામો માટે 20 કરોડ અલગથી ફાળવવામાં આવ્યા છે,જોકે અગાઉના વર્ષોમાં સમાવાયેલાં વિસ્તારોના ગામતળના વિકાસ માટે કરોડો ફાળવાયા છતાં સ્થિતિમાં કોઇ ખાસ ફેર પડ્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વર્ષો અગાઉ નવા વિસ્તારો મર્જ કરીને નવા પશ્ચિમ ઝોનની રચના કરવામાં આવી ત્યારે તે વિસ્તારની નગરપાલિકા અને પંચાયતોમાં ગામતળ વિસ્તારોમાં રોડ, પાણી, ગટર, લાઇટ વગેરે સુવિધાના નામે કરોડો રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ તમામ નગરપાલિકા અને પંચાયત વિસ્તારોમાં ઔડાએ અનેક પ્રકારના કામો કર્યા જ હતા. તેમ છતાં મ્યુનિ.એ કરોડો રૂપિયાની જોગવાઇ કરી હતી તે ક્યાં વપરાયા તેનો કોઇ હિસાબ નથી અને સ્થળ પરિસ્થિતિ જુઓ તો ઠેરની ઠેર જ છે. ઉલટાનુ ગામતળ વિસ્તાર માટે અલગ નિયમોના કારણે ત્યાં રોડલાઇનનો અમલ થઇ શકતો નથી અને હાલની તારીખે નવા પશ્ચિમ ઝોનમાં સમાવાયેલી પાલિકા-પંચાયત વિસ્તારના ગામતળમાં ટ્રાફિકની સમસ્યા વધી ગઇ છે, તેમ છતાં મ્યુનિ. સત્તાધીશો કોઇ કાર્યવાહી કરી શકતા નથી. વર્ષો અગાઉ મ્યુનિ.હદ વિસ્તરણ બાદ થોડા સમય અગાઉ ફરી મ્યુનિ. હદ વિસ્તરણ કરાયુ હતુ, આ વિસ્તારોમાં મોટી સ્કીમ બની છે ત્યાં તો ઇજનેર અને એસ્ટેટ-ટીડીઓ ખાતાની રહેમનજર હેઠળ વિકાસના કામો ભરપૂર થઇ ગયાં છે. પરંતુ ગામતળ વિસ્તાર હજુય પછાત દેખાઇ આવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં નવા સમાવાયેલાં વિસ્તારોમાં માળખાકીય સુવિધા પૂરી પાડવા અને શહેરના અન્ય વિકસિત વિસ્તારો સમકક્ષ લાવવા માટે 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે ગામતળ વિસ્તારોમાં આરસીસી રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણી અને ગટર લાઇનોના માળખાના નવીનીકરણ, પાણીની ટાંકી, બોરવેલ, ચોરો-ચબૂતરો તથા પંચાયતના જુના મકાનોના રિનોવેશન વગેરે કામો માટે 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મ્યુનિ. સૂત્રોએ કહ્યું કે, સને 2007-8માં મ્યુનિ.હદના વિસ્તરણ બાદ ગામતળ વિસ્તારો માટે તે સમયે પણ આવી જ જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ આજની તારીખે ગામતળ વિસ્તારોમાં સ્થિતિ સુધરી નથી. તે સમયે કરોડો રૂપિયાની જોગવાઇ થઇ તે સિવાય ઝોન-વોર્ડના બજેટ અને કોર્પોરેટર બજેટ પણ ખર્ચાયા હોવાનું જાણવા મળે છે. તેમ છતાં ક્યાં કેટલા કામો થયાં અને ગામતળના રહીશોને કેટલો ફાયદો થયો તે તપાસનો વિષય છે.