અમદાવાદઃ શહેરમાં પાર્કિંગની સમસ્યા વિકટ બનતી જાય છે. ત્યારે પાર્કિંગની સમસ્યાને હલ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશનના નવી પાર્કિંગ પોલીસીને આખરી ઓપ આપી રહ્યા છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલી પાર્કિંગ પોલિસીને મહદઅંશે અપનાવીને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પોતાની પાર્કિંગ પોલિસી બનાવી છે. રાજ્ય સરકાર આ પાર્કિંગ પોલિસી પર વિચારણા કરીને બે અઠવાડિયામાં તેને મંજૂર આપશે.
અમદાવાદ શહેરમાં જાહેર સ્થળો, મોલ, જાહેર રસ્તાઓ અને રહેણાંક આસપાસના પાર્કિંગ મુદ્દે આ પોલિસીમાં ઘણી બાબતો આવરી લેવાશે. જેમાં ફ્રી પાર્કિંગ અને પેઈડ પાર્કિંગના મુદ્દાઓ પણ આવરી લેવાશે. આ સાથે જાહેર રસ્તા પર 12 મીટર કે તેથી વધુ પહોળાઈના રોડ પર રસ્તાની એક બાજુ પાર્કિંગ સ્પેસ એલોકેટ કરવાની વિચારણા કરવામાં આવી છે. આ ઉપરાંત, નજીકના વિસ્તારની પાર્કિંગ સ્પેસની માહિતી મળી રહે અને પાર્કિંગ માટેનું એડવાન્સ પેમેન્ટ કરી શકાય એવી એપ કે ટેક્નોલોજી અમલમાં લાવવાની પણ વિચારણા થઇ રહી છે. આ સાથે દિવ્યાંગો અને સિનિયર સિટીઝન્સ માટે 10 ટકા પાર્કિંગ સ્પેસ ખાલી રાખવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ દૂર રાખવા વિચારણા થઇ રહી છે. સ્થાનિક વિસ્તારોમાં ખાલી રહેતા પાર્કિંગ સ્પેસ માટે શેરિંગ વાળા પાર્કિંગ ઊભા કરવા વિચારણા થઇ રહી છે. આ ઉપરાંત, પાર્કિંગ સ્પેસ માટે વાર્ષિક પરમીટ ઈશ્યુ કરવા માટેની પણ વિચારણા છે. ટુ વહીલર માટે વિસ્તાર પ્રમાણે પ્રતિ કલાક 10થી 15 રૂપિયાનો ચાર્જ વસૂલવા અને ફોર વહીલર માટે 20થી 25 રૂપિયા ચાર્જ વસૂલવાની પણ વિચારણા અને પાર્કિંગ ચાર્જથી ભેગી થયેલી રકમ રસ્તાના રિસરફેસિંગ અને પેચ વર્ક માટે ઉપયોગમાં લેવા પણ વિચારણા કરવામાં આવી રહી છે. (file photo)