ચારુસેટમાં ઇપ્કો પરિવારના માતબર દાન થકી નવનિર્મિત સંતરામ ભવનનું નામાભિધાન થયું
- ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી); અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી શ્રી ગુરુશરણાનંદજી મહારાજ, ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ અને નડિયાદ સંતરામ મંદિરના સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજના હસ્તે સંતરામ ભવનનું ઉદ્દઘાટન
ચાંગા, 17 ડિસેમ્બર, 2025: Santram Bhavan in Charusat ચારુસેટ યુનિવર્સિટીમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મંગળવારે નવ પ્રસ્થાપિત ‘સંતરામ ભવન’ (સાયન્ટીફીકલી એડવાન્સડ ન્યુ-ઇમર્જિંગ ટેક્નોલોજી રિસર્ચ એન્ડ એનાલિટિકલ મૂલ્યાંકન ભવન) નો નામાભિધાન સમારોહ યોજાયો હતો. પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંતો ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) (સાંદીપનિ આશ્રમ, પોરબંદર), અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી શ્રી ગુરુશરણાનંદજી મહારાજ (રમણરેતી, મહાવન, મથુરા), ઉમરેઠના શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ અને નડિયાદના સંતરામ મંદિરના શ્રી નિર્ગુણદાસજી મહારાજના હસ્તે ‘સંતરામ ભવન’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંતોના હસ્તે તકતીનું અનાવરણ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ મહાનુભાવોએ સંતરામ ભવનમાં ડિજિટલ પેપરલેસ એક્ઝામ સેન્ટર તેમજ વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. સંતોએ ચારુસેટની ગુજરાતમાં સૌપ્રથમ ડિજિટલ પેપરલેસ એક્ઝામની પહેલને બિરદાવી હતી. સંતરામ ભવનના મુખ્ય દાતા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને સંતરામ ભકત શ્રી દેવાંગભાઈ પટેલ અને ઈપ્કો પરિવાર છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ ડિજિટલ પેપરલેસ એક્ઝામ શરુ કરનાર ચારુસેટ છે.
આ પ્રસંગે ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ- સીએચઆરએફના સેક્રેટરી ડૉ. એમ. સી. પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, સીએચઆરએફ-ચારુસેટ હોસ્પિટલના પ્રમુખ અને સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ, ચારુસેટના રજીસ્ટ્રાર ડૉ. બિનિત પટેલ, અનિતાબેન દેવાંગભાઈ પટેલ, ઈપ્કો પરિવારજનો ઉપરાંત માતૃસંસ્થા, કેળવણી મંડળ અને સીએચઆરએફના પદાધિકારીઓ, ચારુસેટ પરિવાર, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે સંતો , દાતાશ્રી, મંચસ્થ મહાનુભાવોનો પરિચય આપ્યો હતો અને સંતરામ ભવન અને ચારુસેટ યુનીવર્સીટીની માહિતી આપી હતી. સંતો અને દાતાશ્રીનું શાલ ઓઢાડી, ભગવદ ગીતા અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સંતરામ ભવન વિશે વિઝ્યુઅલ જર્ની દર્શાવવામાં આવી હતી.
અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી શ્રી ગુરુશરણાનંદજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે વિદ્યાનો ઉપયોગ વિનયની પ્રાપ્તિ માટે કરવો જોઈએ. વિનયના અભાવની સ્થિતિમાં સદગુરુની જરૂર પડે છે. વિદ્યા પ્રાપ્ત કરવાનું અંતિમ સાધન ગુરુની શરણાગતિ છે. તેઓએ વિદ્યાર્થીઓને કહ્યું કે ગુરુજનોને સંતાનથી પ્રિય શિષ્ય હોય છે તે જ રીતે વિદ્યાર્થીઓને પણ ગુરુ પ્રત્યે સૌથી વધુ આદર હોય છે. તમે ગુરુ પાસેથી જે સ્કીલ પ્રાપ્ત કરશો તે તમને જીવનમાં સફળ બનાવશે. તમારે જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. તેઓએ શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજને બિરદાવતા કહ્યું કે પટેલોએ ધન પ્રાપ્ત કર્યું એટલું જ નહિ સફળ વિદ્યાકેન્દ્ર અને સંસ્કારકેન્દ્રનું પણ નિર્માણ કર્યું છે. શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ બીજાના હિતમાં વિચારે છે તે અનુકરણીય છે. સંતરામ મહારાજના આશીર્વાદ થકી ઈપ્કો પરિવારે ધનનો સદુપયોગ કર્યો છે અને માતબર દાન આપ્યું છે તે અભિનંદનને પાત્ર છે.

ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) એ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીજીવન જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. જે સંસ્થામાં તમે અભ્યાસ કર્યો હોય તે ભવિષ્યમાં યાદ આવે છે. વિદ્યાર્થીકાળના ગુરુજનો ભૂલાતા નથી. દુનિયામાં જે લોકો સફળ થયા છે તે શિક્ષકોને ક્યારેય ભૂલ્યા નથી. વિદ્યાર્થીઓને ઘડવામાં ગુરુએ યોગદાન આપ્યું હોત ત્યારે તેમના પ્રત્યે આદરભાવ રહે છે. તેઓએ વિદ્યાર્થીઓને સમયની સાથે અત્યાધુનિક ટેકનોલોજી શીખવા અનુરોધ કર્યો હતો અને કહ્યું કે દુનિયા ઝડપથી બદલાય છે અને તેની સાથે તાલ ન મિલાવીએ તો પાછળ રહી જશો. તેઓએ વિદ્યાર્થીઓને સલાહ આપી કે ગુરુજનોમાં, ભગવાનમાં, પોતામાંના વિશ્વાસ રાખવો તે જ તમને ટકાવી રાખે છે. શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) એ કહ્યું કે સંતરામ ભવનમાં ડિજિટલ પેપરલેસ એક્ઝામ સેન્ટર બદલાતી દુનિયાનું અનુકરણીય ઉદાહરણ છે. પેપરલેસ વર્લ્ડમાં ગુજરાતનું પ્રથમ સેન્ટર બનાવવાનું શ્રેય ચારુસેટને જાય છે ત્યારે આવા સદકાર્યો માટે યોગદાન આપનાર ઈન્દુકાકાના પરિવારને ધન્યવાદ. ધન કમાવવા માટે પુરુષાર્થ કરવો પડે છે. ધન ક્યાં વાપરવું તે મહત્વનું છે. યોગ્ય સંસ્થામાં કર્તવ્ય બુદ્ધિથી અપાયેલું ધન સાત્વિક દાન છે. ઈપ્કો પરિવાર દ્વારા ચારુસેટમાં આ ચોથા પ્રકલ્પ માટે દાન આપવામાં આવ્યું છે. અહી જ્ઞાનની ઉપાસનાની યાત્રા થઇ રહી છે . વર્લ્ડ ગ્લોબલ વિલેજ બનતું જાય છે અને માણસ માણસથી દુર થતો જાય છે ત્યારે મારું કર્તવ્ય સમાજ માટે છે એ વાત યાદ રાખી દાનનો પ્રવાહ વહેતો રાખવામાં દેવાંગભાઈ પ્રેરણારૂપ છે.
ઉમરેઠના શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે સંસ્થાનું નામ સંતરામ મહારાજ સાથે જોડાયું છે ત્યારે સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિમાં જે વિદ્યાર્થી ભણશે તે સમાજ-દેશને ઉન્નત કરશે. દાતા ઈપ્કો પરિવારે વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજી સેન્ટરની ભેટ આપી છે ત્યારે વિદ્યાર્થીઓ સારું જ્ઞાન પ્રાપ્ત કરી નામના વધારશે તો આ દાન ઉગી નીકળશે.
ત્યાર બાદ સંતો સાથે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં સંતોએ કહ્યું કે આપણા ભાગ્યના નિર્માતા આપણે પોતે છીએ ત્યારે જીવનમાં વિવેકપૂર્વક નિર્ણય કરવો જોઈએ. ખોટો નિર્ણય કે નિષ્ફળતા શીખવાડે છે.
ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ચારુસેટ યુનિવર્સિટીનું સૌભાગ્ય છે કે પહેલેથી સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે જેથી ચારુસેટની પ્રગતિ થઇ છે. દેવાંગભાઈ જેવા ઉદાર દાતાઓનું દાન મળ્યું છે ત્યારે ચારુસેટની પ્રગતિમાં દાતાઓનો મોટો ફાળો છે. શુભ આશયથી દાન મળે તેનું પરિણામ સારું આવે છે. અમારે હજુ વધુ પ્રગતિ કરવી છે ત્યારે સંતોના આશીર્વાદ અને આગળ ધપવાનું બળ મળે તે પ્રાર્થના.
ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે જણાવ્યું હતું કે દાનનો પ્રવાહ વહેવડાવવાના વારસાને યથાવત રાખીને શ્રી દેવાંગભાઈ પટેલે ચારુસેટમાં મલ્ટી-યુટિલિટી બિલ્ડિંગની સ્થાપનામાં અગ્રેસર ભૂમિકા અદા કરી છે જેનું નામાભિધાન ‘સંતરામ ભવન’ તરીકે કરવામાં આવ્યું છે. આ સમારોહમાં અધ્યાત્મ, પરોપકાર અને શિક્ષણનો ત્રિવેણી સંગમ થયો હતો જે ચારુસેટની પ્રગતિ, સેવા અને ટેકનોલોજીકલ ટ્રાન્સફોર્મેશનની અવિરત યાત્રામાં શ્રી દેવાંગભાઈ પટેલના માતબર યોગદાનને ઉજાગર કરે છે.
ચારુસેટના વિકાસમાં ઇપ્કો પરિવારના માતબર યોગદાન પર ભાર મુકતા ચારુસેટના રજીસ્ટ્રાર ડૉ. બિનિત પટેલે કહ્યું કે ચારુસેટની નોંધપાત્ર પ્રગતિમાં સ્વ. શ્રી ઇન્દુકાકા, શ્રી દેવાંગભાઇ અને શ્રીમતી અનિતાબેનનો આર્થિક સહયોગ કેન્દ્રસ્થાને છે. રૂ. ૨૫ કરોડથી વધુના યોગદાન સાથે શ્રી દેવાંગભાઇ પટેલ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત દાતાઓમાં સ્થાન ધરાવે છે, જેમના માતબર દાનથી ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIIM), દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (DEPSTAR), અને અનિતા દેવાંગ પટેલ ઇપ્કોવાલા સેન્ટર ઓફ એક્સલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની મુખ્ય એકેડેમીક અને રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ્સનો ઉદય થયો છે.


