1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યા વધી, એક મહિનામાં 1.39 લાખ લોકોએ લીધી મુલાકાત
સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યા વધી, એક મહિનામાં 1.39 લાખ લોકોએ લીધી મુલાકાત

સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યા વધી, એક મહિનામાં 1.39 લાખ લોકોએ લીધી મુલાકાત

0
Social Share

અમદાવાદઃ સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની દ્રષ્ટિ સાથે તૈયાર કરાયેલા સાયન્સ સિટી ખાતે આ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યા રેકોર્ડ બ્રેક આંકડો જોવા મળ્યો છે. આ વર્ષે(૨૦૨૨) માત્ર મે મહિનામાં 1.39 લાખ મુલાકાતીઓએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. એટલે કે 20 વર્ષ પહેલાં સાયન્સ સિટીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની આ સૌથી વધુ મુલાકાતીઓની માસિક સંખ્યા નોંધાઈ છે. જેમાં એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સાયન્સ સીટી ખાતેની એક્વેટિક ગેલેરી અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે, જે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે. અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે આ એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ પણ તૈયાર કરવામાં આવી છે.

આ એક્વેટિક ગેલેરીનું મહત્વનું પાસુ એ છે કે અહીં 188 પ્રજાતિની 11,600થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાય છે. અહીં ગેલેરીમાં ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ સહિતના 10 અલગ-અલગ ઝોનની જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર પણ છે.

આ ઉપરાંત સાયન્સ સીટી ખાતે 11000 સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડિફેન્સ સહિતના ક્ષેત્રે તેની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ, 16 રોબોગાઈડ અહીં આવતા મુલાકાતીઓને ગાઈડ પણ કરે છે.

સાયન્સ સીટીનું ત્રીજું આકર્ષણ નેચર પાર્ક છે, 20 એકરમાં પથરાયેલ આ નેચર પાર્કમાં 380થી વધુ સ્પીસિસ જોવા મળે છે. અહીં મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ, અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલભૂલામણી છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે. જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉંડેડ સ્લોથ બેર, ઉધઈના રાફડા અને મધપુડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે. આ મુલાકાતને યાદગાર બનાવવા માટે સેલ્ફી કોર્નર પણ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code