
ગુજરાતમાં છેલ્લા 12 દિવસથી પોલિટેકનિક કોલેજોના અધ્યાપકોની ચાલતી લડત, છતાં કોઈ ઉકેલ નહીં
અમદાવાદઃ ગુજરાતમાં સરકારના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત કરી રહ્યા છે. અને ગાંધીનગરમાં તો જાણે આંદોલનની મોસમ ખીલી ઊઠી હોય તેમ વિવિધ કર્મચારી સંગઠનો,પૂર્વ સૈનિકો, ખેડુતો વગેરે સમયાંતરે ઘરણા, પ્રદર્શન અને દેખાવો કરી રહ્યા હતા. જોકે સરકારે કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંત્રીઓની કમિટી બનાવી છે. અને કર્મચારીઓના ગણા બધા પ્રશ્નોનો ઉકેલ પણ લાવી દીધો છે. પરંતુ છેલ્લા 12 દિવસથી પોલિટેકનિક કોલેજોના અધ્યાપકોની લડત ચાલી રહી છે.પણ એનો કોઈ ઉકેલ હજુ સુધી આવ્યો નથી. બિન શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરતા પોલીટેકનીક કોલેજમાં લર્નિગ લાયસન્સ સહિતની તમામ પ્રકારની કામગીરી હાલમાં અટકી પડી છે.
ગુજરાતમાં સરકારી પોલીટેકનિક કોલેજોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવતા અધ્યાપકોના પગારની વિસંગતતાને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. રાજ્ય સરકારમાં છેલ્લા ત્રણેક વર્ષથી લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ દર વખતે પોલીટેકનિક કોલેજના અધ્યાપકોને લોલીપોપ આપવામાં આવી રહી છે. ત્યારે પોલીટેકનિક કોલેજના અધ્યાપકોની ધીરજ ખૂટી પડતા તેઓએ લડતનો માર્ગ અપનાવ્યો છે. ગત તારીખ 12મી, સપ્ટેમ્બરથી લડત આંદોલન ચલાવી રહેલા અધ્યાપકોના અવાજને સાંભળવવાની પણ તસ્દી રાજ્યના શિક્ષણ વિભાગે લીધી નથી. ત્યારે હવે પોલીટેકનિક કોલેજના અધ્યાપકોએ બિન શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અધ્યાપકોની હડતાળને લીધે પોલીટેકનિક કોલેજોમાં કરવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરીઓમાં આરટીઓના લર્નિગ લાયસન્સ કાઢવાની કામગીરી અટકી પડી છે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, મુખ્યમંત્રી ઓપરેનટીસ યોજના, એડમિશન, વિદ્યાર્થીઓની હોસ્ટેલના આયોજન, વહિવટી કાગીરી, સ્ટોર અને પરચેઝ સહિતની કામગીરી અટકી પડી છે. છતાં સરકારે અધ્યાપકોની લડતને મચક આપતી નથી. (FILE PHOTO)