Site icon Revoi.in

નિર્દોષોના લોહી વહેવડાવવાનું એકમાત્ર પરિણામ મહાવિનાશઃ નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ આજે મંગળવારે (13 મે, 2025) સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. જ્યાં પ્રધાનમંત્રી મોદી ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને જવાનોને મળ્યા હતા. આ દરમિયાન વાયુસેનાના જવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, દેશ સશસ્ત્ર દળોનો આભારી રહેશે. દુનિયાએ ભારત માતા કી જયના નારાની તાકાક દુનિયાએ જોઈ. નિર્દોષોના લોહી વહેવડાવવાનું એકમાત્ર પરિણામ મહાવિનાશ છે.. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘ભારત માતાની જય, એ માત્ર ઉદ્ઘોષ નથી. આ નારો દેશના દરેક સૈનિકોની શપથ છે કે, જેઓ ભારત માતાના માન-મર્યાદા માટે મોતને પણ વ્હાલુ કરે છે. આ દેશના દરેક નાગરિકનો અવાજ છે જે દેશ માટે જીવવા માંગે છે અને તેના માટે કંઈક કરવાની ઈચ્છા રાખે છે. ‘ભારત માતા કી જય’ મેદાનમાં પણ ગુંજે છે  અને મિશનમાં ગુંજતું રહે છે.’

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘હું ગર્વથી કહી શકું છું કે તમે બધાએ તમારા લક્ષ્યને સંપૂર્ણતાથી પ્રાપ્ત કર્યું. પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ અને તેમના એરપોર્ટનો નાશ કરવામાં આવ્યો એટલું જ નહીં, પરંતુ તેમના નાપાક ઇરાદાઓ અને હિંમતનો પણ નાશ કરવામાં આવ્યો. જ્યારે ભારતીય સૈનિકો ‘મા ભારતી કી જય’ ના નારા લગાવે છે, ત્યારે દુશ્મનનું હૃદય ધ્રૂજે છે. જ્યારે આપણા ડ્રોન દુશ્મનના કિલ્લાની દિવાલોનો નાશ કરે છે, જ્યારે આપણી મિસાઇલો જોરદાર રીતે લક્ષ્ય સુધી પહોંચે છે, ત્યારે દુશ્મનને ‘ભારત માતા કી જય’ સાંભળાય છે. ઓપરેશન સિંદૂરથી ગભરાઈને દુશ્મને આદમપુર સહિત આપણા ઘણા હવાઈ મથકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તેમણે વારંવાર આપણને નિશાન બનાવ્યા, પરંતુ પાકિસ્તાનના નાપાક ઈરાદા દર વખતે નિષ્ફળ ગયા.’

પ્રધાનમંત્રી મોદીએ વાયુસેનાની બહાદુરીને સલામ કરી અને કહ્યું કે , ‘તમે બધાએ કરોડો ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. તમે ઇતિહાસ રચ્યો છે અને હું આજે સવારે તમને મળવા તમારી વચ્ચે આવ્યો છું.’ પીએમ મોદીએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું કે, ‘જ્યારે આપણી ફોજ પરમાણુ બ્લેકમેલના ખતરાને નિષ્ફળ બનાવે છે, ત્યારે આકાશથી પૃથ્વી પર ફક્ત એક જ વાત ગુંજતી રહે છે, ‘ભારત માતા કી જય’. તમે બધાએ ખરેખર લાખો ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. દરેક ભારતીયને ગર્વ કરાવ્યો છે અને ઇતિહાસ રચ્યો છે.’

પીએમએ કહ્યું, ‘જ્યારે વીરોના પગ ધરતીને સ્પર્શે છે, ત્યારે ધરતી ધન્ય બની જાય છે. જ્યારે કોઈને વીરોને જોવાની તક મળે છે, ત્યારે જીવન ધન્ય બની જાય છે. એટલા માટે હું વહેલી સવારે તમને મળવા આવ્યો છું. ઘણા દાયકાઓ પછી પણ જ્યારે ભારતના આ વીરોની ચર્ચા થશે, તો તેના પ્રમુખ સ્થાને તમે અને તમારા સાથીઓ હશે. તમે બધા દેશની વર્તમાન તેમજ ભાવિ પેઢીઓ માટે એક નવી પ્રેરણા બન્યા છો.’

સૈનિકોની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘ભવિષ્યમાં તમે આવનારી પેઢીઓને પ્રેરણારૂપ સાબિત થશો. હું વાયુસેના, નૌકાદળ, સેના અને બીએસએફના બહાદુર સૈનિકોને સલામ કરું છું. તમારી અજોડ બહાદુરીને કારણે જ આજે ઓપરેશન સિંદૂર બધે ગુંજતું રહે છે. તે મહત્વપૂર્ણ ક્ષણોમાં, દરેક ભારતીયની પ્રાર્થનાઓ તમારી સાથે હતી અને આજે આખો દેશ તમારા અને તમારા પરિવારોનો આભારી છે.’

તેમણે કહ્યું, ‘તમારી બહાદુરીને કારણે, આજે ‘ઓપરેશન સિંદૂર’નો પડઘો દરેક ખૂણામાં સંભળાઈ રહ્યો છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન, દરેક ભારતીય તમારી સાથે ઉભા રહ્યા. દરેક ભારતીયની પ્રાર્થનાઓ તમારા બધા સાથે હતી. આજે દેશનો દરેક નાગરિક સૈનિકો અને તેમના પરિવારોનો આભારી છે, તેમનો ઋણી છે. ‘ઓપરેશન સિંદૂર’ કોઈ સામાન્ય લશ્કરી કાર્યવાહી નથી. તે ભારતની નીતિ, ઇરાદા અને નિર્ણાયકતાનો સંગમ છે.’