નવી દિલ્હીઃ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય પક્ષે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું. NDA બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પર પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારના મજબૂત પ્રતિભાવની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પણ બેઠકને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ એક ઐતિહાસિક દિવસ હતો, કારણ કે આ દિવસે જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ અધિકાર આપતી કલમ 370 રદ કરવામાં આવી હતી. NDA સરકારે બંધારણનું સંપૂર્ણ ભાવનાથી પાલન કર્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાને ગૃહ પ્રધાન અમિત શાહની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ આ મંત્રાલયમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મંત્રી બન્યા છે. વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે વિપક્ષ વિચારી રહ્યું હશે કે શું તેણે ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ કરીને ભૂલ કરી છે. આ દરમિયાન, પીએમ મોદીના નેતૃત્વ અને ‘ઓપરેશન સિંદૂર’ અને ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન સશસ્ત્ર દળોની અપ્રતિમ હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 28 જુલાઈના રોજ શ્રીનગરની બહાર ‘ઓપરેશન મહાદેવ’ નામના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
જૂન 2024 માં સરકાર બન્યા પછી સંસદના સત્રો દરમિયાન ભાજપની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના સાંસદોએ આવી બીજી બેઠક યોજી હતી. ભાજપ અને તેના સાથી પક્ષોના વરિષ્ઠ નેતાઓએ ‘ભારત માતા કી જય’ ના નારા સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. હકીકતમાં, 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા પછી, 7 મેના રોજ, ભારતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ સામે ઝડપી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાને પણ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું અને ભારતમાં નાગરિક અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝ પર હુમલો કર્યો હતા. ચાર દિવસના સંઘર્ષ પછી, 10 મેના રોજ, પાકિસ્તાને ભારત સમક્ષ આત્મસમર્પણ કર્યું અને યુદ્ધવિરામની અપીલ કરી.