
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ આજે અચાનક રાજીનામું આપતા રાજ્યના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. તેમજ વિજય રૂપાણીના રાજીનામાને લઈને તરેહ-તરેહની અટકવો વહેતી થઈ છે. દરમિયાન ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અનેક ભાજપના સિનિયર નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાં છે. જો કે, આવતીકાલે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં નવા મુખ્યમંત્રીની પંસદગીને લઈને નિર્ણય લેવામાં આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એટલું જ નહીં આ ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તમામ 182 બેઠકો ઉપર જીતનો લક્ષ્યાંક રાખીને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ભાજપના આગેવાનો પણ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધારે બેઠકો ઉપર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીને હજુ સવા વર્ષનો સમય બાકી છે.
દરમિયાન અચાનક વિજય રૂપાણીએ સીએમ પદેથી રાજીનામું આપતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. તેમજ નવા મુખ્યમંત્રીને લઈને વિવિધ નામની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, ભાજપમાં જે નામોની ચર્ચા ચાલતી હોય તે સિવાયના અન્ય નામની જાહેરાત અંતિમ ઘડીએ કરવામાં આવે છે. એટલે રાજ્યની જનતા પણ નવા સીએમને લઈને વિવિધ નામો ઉપર ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનોની બેઠકનો દોર શરૂ થયો છે.
દરમિયાન આવતીકાલે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવ્યાં છે. જેથી આવતીકાલે ભાજપના ધારાસભ્યદળની બેઠક મળશે. જેમાં નવા મુખ્યમંત્રીના નામ જાહેર કરવામાં આવશે.