ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે અસ્થાયી રૂપે સ્થગિત કરાયેલી માતા વૈષ્ણોદેવીની યાત્રા આજે (8 ઓક્ટોબર) સવારે 6 વાગ્યાથી ફરી શરૂ કરવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રા ફરી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
યાત્રા ફરી શરૂ થતાં જ, કટરા શહેરમાં યાત્રા શરૂ થવાની રાહ જોઈને ફસાયેલા આશરે 2,000 જેટલા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ યાત્રાળુઓ હવે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભવન તરફ પ્રયાણ કરી શકશે.
શ્રાઈન બોર્ડ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે તમામ નોંધણી કેન્દ્રો ફરીથી ખોલવામાં આવ્યા છે. વહીવટીતંત્રએ શ્રદ્ધાળુઓને હવામાનની સ્થિતિનું ધ્યાન રાખીને યાત્રા કરવાની અપીલ કરી છે. યાત્રા પુનઃસ્થાપિત થવાથી હવે શ્રદ્ધાળુઓનો ધસારો વધવાની શક્યતા છે.

