Site icon Revoi.in

રાજકોટ નજીક આટકોટમાં પ્રાયમરી હેલ્થ સેન્ટર છેલ્લા બે વર્ષથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે

Social Share

રાજકોટઃ શહેર નજીક આવેલા જિલ્લાના આટકોટ શહેરમાં નવું બનાવવામાં આવેલું પ્રાયમરી હેલ્થ સેન્ટર છેલ્લા બે વર્ષથી લોકાર્પણની રાહ જોઇ રહ્યુ છે. બે વર્ષથી નવા જ બનેલા પીએચસીને તાળા લટકી રહ્યા છે. નવા બનાવેલા પીએચસી કાર્યરત ન થતાં દર્દીઓને નાછૂટકે એક કિમી દુર આવેલા પીએચસીએ ધક્કો ખાવો પડી રહ્યો છે. ત્યારે વહેલી તકે પીએચસી કાર્યરત કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

રાજકોટ જિલ્લાના આટકોટના કૈલાસનગર વિસ્તારમાં નવા જ બનાવવામાં આવેલા પીએચસીને બે વર્ષ થયા છતાં લોકાર્પણનું મુહૂર્ત હજુ આવ્યું નથી. લોકો હવે તો રાહ જોઇ જોઇને પણ થાકયા છે. પીએચસી બન્યાને બે વર્ષ થયાં છતાં લોકાર્પણ કરાતુ નથી. લોકોને સારી સુવિધા કયારે ઉપલબ્ધ થશે તેની રાહ જોઈ રહ્યા છે. હાલમાં એક કીલોમીટર દુર આવેલું હેલ્થ સેન્ટર નાના મકાનમાં ચાલી રહ્યુ છે. ત્યારે નવુ પીએચસી ત્વરિત શરૂ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

નવા બનાવેલા પીએચસી કેન્દ્રમાં થોડા પહેલાં લાઈટ અને ફર્નિચર બાકી હતું, ત્યારબાદ પીએચસી ફરતી દીવાલ બાકી હતી તે પણ થઇ જવા પામી છે. અહીં પીએમ કરી શકાય તેવી સુવિધા પણ બનાવવામાં આવી છે.  નવુ બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયુ છે. ત્યારે નવા બનાવેલા પીએચસીના દરવાજા ક્યારે ખુલશે તેની દર્દીઓ રાહ જોઈ રહ્યા છે. આ નવા પીએચસીથી આટકોટ, જંગવડ, પાંચવડા, ગુંદાળા સહિતનાં ગામના દર્દીઓને લાભ થાય તેમ છે.