Site icon Revoi.in

ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ટોલ પ્લાઝાનું સર્વર ઠપ થતાં 4 કિમી સુધી વાહનોની લાઈનો લાગી

Social Share

સુરેન્દ્રનગર, 12 જાન્યુઆરી 2026:    કચ્છ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર ધ્રાંગધ્રા નજીક સોલડી ટોલ પ્લાઝા પર અચાનક ટેકનિકલ ખામી સર્જાતા અને સર્વર ઠપ્પ થઈ જતા ટોલપ્લાઝાના બેરીકેટ ખૂલી શક્યા નહતા. તેના કારણે હાઈવે પર 4 કિમી સુધી લાંબી લાઈનો લાગી હતી. ટોલપ્લાઝા પર સર્વર ઠપ થાય ત્યારે વાહનોને પસાર કરવાની કોઈ જ વ્યવસ્થા નથી. ત્યારે ટોલપ્લાઝા સામે હાઈવે ઓથોરિટી કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

કચ્છ–અમદાવાદને જોડતો નેશનલ હાઈવે ઉદ્યોગોનું ધબકાર કેન્દ્ર છે. કાચા માલ, કેમિકલ, કોલસા, લોખંડ, કપડાં તેમજ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ વહન કરતાં હજારો વાહનો દ્વારા આ હાઈવે 24 કલાક ધમધમતો રહે છે.આવા મહત્વના માર્ગ પર ટોલ ટેક્સની સિસ્ટમ ફેલ થવી એ માત્ર ટ્રાફિક સમસ્યા નથી, પરંતુ સંપૂર્ણ સપ્લાય ચેઇન પર આઘાત છે. વાહનચાલકો કલાકો સુધી અટવાતા રહે છે, ઇંધણ બળે છે, ડિલિવરી મોડી પડે છે અને સીધું આર્થિક નુકશાન ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટરોને ભોગવવું પડે છે. સિસ્ટમ ડાઉન થતાં ટોલ પર ઉભી રહેલી લાંબી લાઈનોના કારણે ન માત્ર માલ વહન અટક્યું, પરંતુ વાહનચાલકોને માનસિક તાણ, સમય નુકશાન અને અનિશ્ચિતતા સહન કરવી પડી છે. આવું બનવું એ ટોલ સંચાલનની ગંભીર બેદરકારીનો પુરાવો છે. અહીં સવાલ એ છે કે શું હાઈવે ઓથોરિટી અને ટોલ અધિકારીઓ માત્ર નોટિસ આપીને ફરજ પૂરી કરી દેશે? અથવા ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે વૈકલ્પિક સિસ્ટમ, બેકઅપ સર્વર અને ઇમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂકાશે? “સિસ્ટમ ફેલ” કોઈ બહાનું બની શકે નહીં. ટોલ ટેક્સ વસૂલાત જેટલી નિયમિત છે, એટલી જ જવાબદારી પણ નક્કી થવી જોઈએ.જો સમયસર કડક પગલાં નહીં લેવાય, તો નુકશાન માત્ર વાહનચાલકોનું નહીં રહે તેનો ફટકો સમગ્ર અર્થતંત્રને લાગશે.

સુરતથી કચ્છ ગાંધીધામ જવા નીકળેલા એક ટ્રેલરચાલકે કહ્યુ હતું કે, ટોલ ટેક્સની સીસ્ટમ ફેલ થતા ચાલ કલાક સુધી હાઈવે પર ફસાઇ ગયા હતા તેના લીધે પરેશાન થઈ ગયા હતા ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ જેથી વાહન ચાલકો ને મુશ્કેલીઓ નો પડે.

Exit mobile version