
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારી, અને વલસાડમાં ભારે તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દિવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરાઇ છે. 9 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ અને ભાવનગરમાં જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને ખેડા જીલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.
10 અને 11 ઓગસ્ટે રાજ્યના મોટાભાગના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. દેવભૂમિ દ્વારકામાં 10 અને 11 ઓગસ્ટના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા તેમજ નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે તથા જીલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં 24 કલાકમાં અમરેલીના લાઠી, વાંકાનેર અને બાબરા તાલુકામાં 2 ઈંચથી વધુ, જસદણ ચોટીલા, માંગરોળ તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જયારે રાજ્યમાં સીઝનનો કુલ 76.21 ટકા વરસાદ પડી ચુક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 125.60 ટકા અને નર્મદા જિલ્લામાં 117.63 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો દાહોદ જિલ્લામાં 34.85 ટકા તથા અમદાવાદમાં 52.96 ટકા વરસાદ નોંધાયો છે.