Homeગુજરાતીદેશ-વિદેશકલમ 370 પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગેરકાનૂની અને ખોટો હતો: ડો. ફારૂક...

કલમ 370 પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગેરકાનૂની અને ખોટો હતો: ડો. ફારૂક અબ્દુલ્લા

શ્રીનગર, 19 ઓક્ટોબર 2026: નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડો. ફારૂક અબ્દુલ્લાએ કલમ 370 અને જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જા (સ્ટેટહૂડ)ને લઈને ફરી એકવાર કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સણસણતો આરોપ લગાવતા કહ્યું કે, “કલમ 370 હટાવવાને યોગ્ય ઠેરવતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગેરકાનૂની અને ખોટો હતો.” તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જમ્મુ-કાશ્મીરમાં પરિસીમન (સીમાઅંકન) તો પૂર્ણ કરી દેવામાં આવ્યું, પરંતુ જે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો વાદો કરાયો હતો, તે હવે ક્યાં છે?

નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષે ભારતીય જનતા પાર્ટીની તીખી ટીકા કરતા જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરની જનતા સાથે “સાવકી મા” જેવો વ્યવહાર કર્યો છે. તેમણે ઉમેર્યું કે, “સૌથી પહેલાં તો લોકોની સહમતી લીધા વિના અમારો વિશેષ દરજ્જો (કલમ 370) છીનવી લેવામાં આવ્યો અને આ ઐતિહાસિક રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. આજે પણ જમ્મુ-કાશ્મીરના પૂર્ણ રાજ્યનો દરજ્જો અધ્ધરતાલ લટકેલો છે.”

ડો. ફારૂક અબ્દુલ્લાએ યાદ અપાવ્યું હતું કે સંસદમાં અને સુપ્રીમ કોર્ટ સમક્ષ જમ્મુ-કાશ્મીરની જનતાને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે. જોકે, ચૂંટણી પ્રક્રિયા પૂરી થયાના બે વર્ષ બાદ પણ આ દિશામાં કોઈ નક્કર પ્રગતિ થઈ નથી. તેમણે પરિસ્થિતિને વધુ ગંભીર ગણાવતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને સામાન્ય કેન્દ્રશાસિત પ્રદેશની સરકારને મળતા અધિકારો પણ આપવામાં નથી આવી રહ્યા.

  • ‘ઉપરાજ્યપાલ ચૂંટાયેલી સરકારના કામમાં દખલ કરે છે’

કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટ પર પ્રહાર કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે, ઉપરાજ્યપાલનું પ્રશાસન ચૂંટાયેલી સરકારના કામકાજમાં દખલગીરી કરવાનો અને અવરોધો ઊભા કરવાનો એકપણ મોકો છોડતું નથી. અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, “લોકશાહીમાં ડરાવવા-ધમકાવવા, બળજબરી કરવા, હેરાનગતિ કરવા કે લોકોનો અવાજ દબાવવા માટે કોઈ સ્થાન નથી. ભારતનું બંધારણ પણ આવી પ્રવૃત્તિઓની મંજૂરી આપતું નથી.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular