
સુરતઃ શહેરમાં અનેક પાવરલૂમ આવેલી છે. મોટાભાગની ટેક્સટાઈલ મિલો બળતણ તરીકે લિગ્નાઈટનો ઉપયોગ કરે છે. છેલ્લા ઘણા મહિનાથી કાચામાલના બેફામ ભાવવધારાને લઇને ટેક્સટાઇલના મિલ માલિકો ભારે આર્થિક સંકટમાં મૂકાયેલા હતા. એવામાં વળી લિગ્નાઇટમાં 42 ટકા જેટલા ભાવવધારા સામે મિલ માલિકોએ કોલસો નહિ ઉપાડવાનું શસ્ત્ર અજમાવ્યું છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને એક બેઠક તાજેતરમાં મળી હતી જેમાં તડકેશ્વર માઇન્સનો કોલસો નહિ ઉપાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતનો ટેક્સટાઈલ્સ ઉદ્યોગ લિગ્નાઈટ આધારિત છે. ઉદ્યોગકારો કાચા માલના ભાવ વધારાનો સામનો કરી રહ્યા હતા. ત્યાં જ લિગ્નાઈટના ભાવમાં પણ 42 ટકા જેટલો વધારો થતા ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. કોલસા, કેમિકલ, ટ્રાન્સપોર્ટેશન સહિતના ભાવવધારાથી કંટાળેલા ટેક્સટાઇલ મિલવાળા જોબચાર્જમાં વધારો કરે છે. પરંતુ આ વખતે જોબચાર્જમાં વધારો કર્યા બાદ પણ કોલસાના ભાવમાં કોઇ પ્રકારની બ્રેક લાગી નથી. ઊલ્ટું લિગ્નાઇટના ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં 42 ટકા જેટલો વધારો ઝીંકવામાં આવતા ટેક્સટાઇલ મીલમાલિકો વિફર્યા છે. મિલ માલિકોના સંગઠને તાબડતોબ બેઠક બોલાવીને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટને ધારદાર રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.
દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સંગઠનના પદાધિકારીઓ અને સભ્યો સાથે બેઠક યોજાઈ હતી.જેમાં મેટ્રીક ટન દીઠ રૂા. 665ના ભાવ અંગે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. લિગ્નાઇટન અગાઉનો ભાવ રૂા. 470 હતો. જેમાં 42 ટકા જેટલો વધારો ઝીંકાયો છે. જે કોઇપણ હિસાબ કે ગણિતમાં ફીટ બેસે તેમ નથી. આ ભાવ સભ્ય ઇન્ડસ્ટ્રીને પરવડી શકે તેમ નથી. આથી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટના અધિકારીઓને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે. તેમજ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેમજ જૂના ભાવે કોલસો પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી તડકેશ્વર માઇન્સનો કોલસો નહિ ઉપાડવાનું નક્કી કરાયુ છે.