Site icon Revoi.in

ફાગણી પુનમે ડાકોરના ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો વધારો

Social Share

ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂર્ણિમાના દિને ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. અમદાવાદ, વડોદરા ખેડા નડિયાદ અને આણંદથી અનેક પગપાળા સંઘો પગપાળા ડાકોર જવા રવાના થયા છે, ડાકોરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા માટે ખાસ અસટી બસો પણ દોડાવવામાં આવી રહી છે.  ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો યોજાશે. ત્યારે હોળી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મેળા દરમિયાન ભક્તોની સંખ્યામાં વધારો થશે તેવી બાબતને ધ્યાનમાં રાખીને મેળાના બે દિવસ મંદિરનો દર્શનનો ટાઈમ વધારવામાં આવ્યો છે.

ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર રણછોડરાયજી મંદિરે ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટે છે. જે દરમિયાન વિશાળ સંખ્યામાં પહોંચતા દર્શનાર્થીઓની સગવડ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફાગણ સુદ 14 (હોળી પૂજન) તારીખ 13 માર્ચ 2025 ગુરૂવારના રોજ દર્શનનો સમય નિયત કરવામાં આવ્યો છે. જેમાં પરોઢે 4:45 વાગે નિજ મંદિર ખુલશે, 5:00 વાગે મંગળા આરતી થશે 5:00 થી 7:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 7:30 થી 8:00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળ ભોગ ત્રણેય ભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે. સવારે 8:00 વાગે શણગાર આરતી થશે, 8:00 થી 1:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, 1:30 થી 2:00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે. 2:00 વાગે રાજભોગ આરતી થશે. 2:00 થી 5:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 5:30 થી 6:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. (શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.) 6:00 વાગે ઉત્થાપન આરતી થશે. 6:00 થી 8:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 8:00 થી 8:15 વાગ્યા સુધી શ્રી રણછોડરાયજી શયનભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે. 8:15 વાગે શયનભોગ આરતી થશે. 8:15 થી ખુલી નિત્યક્રમાનુસાર સેવા થઈ સખડી ભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.

જ્યારે ફાગણ સુદ 15 (ધૂળેટી-દોલોત્સવ) તારીખ 14 માર્ચ 2025 શુક્રવારના રોજ દર્શનનો સમય નિયત કરવામાં આવ્યો છે. જેમાં પરોઢે 3:45 વાગે નિજ મંદિર ખુલશે, 4:00 વાગે મંગળા આરતી થશે, 4:00 થી 8:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 8:30 થી 9:00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળ ભોગ ત્રણેય ભોગ બંધ બારણે આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે. 9:00 વાગે શણગાર આરતી થશે.  9:00 થી 1:00 વાગ્યા સુધી શ્રી ગોપાલલાલજી મહારાજ ફૂલડોળમાં બિરાજશે, ફૂલડોળના દર્શન થશે. 1:00 થી 2:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 2:00 થી 3:30 સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે. 3:30 વાગે રાજભોગ આરતી થશે. 3:30 થી 4:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 4:30 થી 5:00 સુધી દર્શન બંધ રહેશે. સાંજે5:00 વાગે નિજ મંદિર ખુલી 5:15 વાગે ઉત્થાપન આરતી થશે. 5:15 થી નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડી ભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.