સેક્યુલર શબ્દનો અર્થ ધર્મનિરપેક્ષ નહીં : નિતિન ગડકરી
નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025: Secularism કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના બિનસાંપ્રદાયિકતાના ખોટા ખ્યાલ અને વોટબેંકની રાજનીતિને કારણે દેશ આજે પણ ‘હિંદુ-મુસ્લિમ સમસ્યાઓ’ નો સામનો કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘સેક્યુલર’ શબ્દનો અર્થ ‘ધર્મનિરપેક્ષ’ નહીં પરંતુ ‘સર્વધર્મ સમભાવ’ થાય છે.
દિલ્હીમાં ઉદય માહુરકર દ્વારા લિખિત પુસ્તક ‘માઈ આઈડિયા ઓફ નેશન ફર્સ્ટ’ ના વિમોચન પ્રસંગે ગડકરીએ જણાવ્યું કે, અંગ્રેજી શબ્દ ‘સેક્યુલર’ નો હિન્દી કે ભારતીય અર્થ ‘સર્વધર્મ સમભાવ’ છે, જેનો અર્થ છે ‘તમામ માટે ન્યાય અને કોઈનું પણ તુષ્ટિકરણ નહીં’. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પોતાની વિચારધારા મુજબ આ શબ્દની ખોટી વ્યાખ્યા કરી છે.
- 1947 પછી કોંગ્રેસે વાવેલા બીજ આજે સમસ્યા બન્યા
ભૂતપૂર્વ ભાજપ અધ્યક્ષે કહ્યું કે, “1947 પછી કોંગ્રેસને દેશ પર શાસન કરવાની તક મળી. પોતાની વિચારધારાના આધારે તેમણે એવા બીજ વાવ્યા કે જેના કારણે આઝાદી પછી વિવિધ પ્રકારની હિંદુ-મુસ્લિમ સમસ્યાઓ સામે આવી.” તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓ અને વોટબેંકની રાજનીતિ આજે પણ દેશ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.
- ભારત સનાતન સંસ્કૃતિને કારણે સેક્યુલર
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ટાંકીને ગડકરીએ કહ્યું કે, “ભારત એક સેક્યુલર દેશ છે, હતો અને રહેશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સેક્યુલર છે તેનું કારણ ભાજપ કે RSS નથી, પરંતુ ભારતની પ્રાચીન સનાતન સંસ્કૃતિ અને હિંદુ સંસ્કૃતિ છે, જે ‘વિશ્વનું કલ્યાણ હો’ માં માને છે. તેમણે નેહરુ-ગાંધી પરિવાર પર પરોક્ષ નિશાન સાધતા કહ્યું કે અમારી સંસ્કૃતિ ‘મારું કે મારા પરિવારનું કલ્યાણ હો’ માં માનતી નથી.
ગડકરીએ ઇતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સમગ્ર ઇતિહાસમાં એવો કોઈ રેકોર્ડ નથી કે કોઈ હિંદુ રાજાએ અન્યના ધાર્મિક સ્થળોનો નાશ કર્યો હોય. તેમણે કહ્યું, “આ અમારી સંસ્કૃતિમાં કે જીન્સમાં નથી. અમે ક્યારેય અધિકારવાદી કે વિસ્તારવાદી રહ્યા નથી. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને આપણે ભવિષ્યમાં તેને ન દોહરાવવી જોઈએ.”
આ પણ વાંચોઃ વોટર લિસ્ટમાંથી લાખો નામ કપાયા: જાણો ક્યાં રાજ્યમાં કેટલા મતદારોના નામ કપાયાં


