ઓપરેશન સિંદૂરથી દુનિયાએ ભારતનું પરાક્રમ જોયું, આતંકવાદનો જલ્દી જ થશે સફાયો: રાષ્ટ્રપતિ
નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરતા ભારતની સુરક્ષા નીતિ અને સૈન્ય સફળતાઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હવે એ દિવસ દૂર નથી જ્યારે દેશમાંથી આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. રાષ્ટ્રપતિએ ખાસ કરીને ‘ઓપરેશન સિંદૂર’અને સંરક્ષણ ક્ષેત્રે ભારતના વધતા કદનો ઉલ્લેખ કર્યો હતો.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા વિશ્વએ ભારતીય સેનાનું શૌર્ય અને પરાક્રમ જોયું છે. આ ઓપરેશન બાદ ‘મેડ ઇન ઇન્ડિયા’ ડિફેન્સ પ્લેટફોર્મ્સ પર દુનિયાનો ભરોસો વધ્યો છે. તેમણે સુરક્ષાના મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, ભારત પરના કોઈપણ આતંકી હુમલાનો જવાબ હવે દ્રઢ અને નિર્ણાયક હશે. સિંધુ જળ કરારને સ્થગિત કરવો એ પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈનો જ એક ભાગ છે. દેશની રક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે ‘મિશન સુદર્શન ચક્ર’પર તેજ ગતિએ કામ થઈ રહ્યું છે.
વર્ષ 2025ના આંકડા રજૂ કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભારતનું ડિફેન્સ પ્રોડક્શન (સંરક્ષણ ઉત્પાદન) 1.5 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. સંરક્ષણ નિકાસ પણ 23,000 કરોડ રૂપિયાથી વધુ નોંધાઈ છે. દેશની આંતરિક સુરક્ષા પર બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, દાયકાઓ સુધી દેશના 126 જિલ્લાઓ માઓવાદના ભય હેઠળ હતા. પરંતુ સરકારની નીતિઓને કારણે આજે માઓવાદ માત્ર 8 જિલ્લા પૂરતો મર્યાદિત રહ્યો છે, જેમાં માત્ર 3 જિલ્લા ગંભીર રીતે પ્રભાવિત છે. છેલ્લા એક વર્ષમાં લગભગ 2,000 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. બીજાપુરના એક ગામમાં 26 વર્ષ પછી બસ સેવા શરૂ થતા લોકોએ ઉત્સવ મનાવ્યો હતો. બસ્તરના યુવાનો હવે હથિયાર છોડીને ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે.
રાષ્ટ્રપતિએ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) માંથી મહિલા કેડેટ્સની પ્રથમ બેચ પાસ આઉટ થઈ તેને દેશના સશક્તિકરણમાં મોટો માઈલસ્ટોન ગણાવ્યો હતો. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને યાદ કરતા તેમણે કહ્યું કે, આઝાદી ત્યારે જ સાર્થક છે જ્યારે દેશ આત્મનિર્ભર હોય. આજે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ બનેલી પ્રોડક્ટ્સ વૈશ્વિક બજારોમાં ધૂમ મચાવી રહી છે. તેમણે શ્રી ગુરુ તેગ બહાદુરજીના ઉપદેશને ટાંકતા કહ્યું કે, “આપણે ન કોઈને ડરાવવા જોઈએ, ન તો કોઈથી ડરીને જીવવું જોઈએ.” આ જ નીડરતા સાથે ભારત પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો સામે સવર્ણ સમાજનો વિરોધ


