
અમદાવાદઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતમાં ભાજપાનો ઐતિહાસિક વિજય થયો હતો અને 156 બેઠકો ઉપર ભગવો લહેરાવીને ફરીથી સત્તા હાંસલ કરી હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની અંદરખાને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આગામી વર્ષે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત નવ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. નવ રાજ્યો પૈકી 5 રાજ્યમાં હાલ ભાજપની સરકાર છે જ્યારે બે રાજ્યોમાં કોંગ્રેસ શાસન કરી રહી છે. ભાજપાએ નવે-નવ રાજ્યમાં જીત માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને સ્થાનિક રાજકીય આગેવાનોની મદદથી ગણનીતિ તૈયાર કરી છે. બીજી તરફ કોંગ્રેસ પણ બે રાજ્યોમાં સત્તા જાળવી રાખવાની સાથે અન્ય રાજ્યોમાં પણ પાર્ટી વધારે મજબુત બને તેવું આયોજન કર્યું છે. એટલું જ નહીં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પણ ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, મતદારો કોને આર્શિવાદ આપે છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રિપુરામાં હાલ ભાજપા અને ઈન્ડિજીંયુસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાના ગઠબંધનની સરકાર છે. આવી જ રીતે મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી, યુનાઈડેટ ડેમોક્રેટીસ પાર્ટી અને ભાજપના ગઠબંધનની સરકાર છે. જ્યારે નાગાલેન્ડમાં નેશનાલિસ્ટીક ડેમોક્રેટીસ પ્રોગેસિવ પાર્ટી અને ભાજપના ગઠબંધનની સરકાર કાર્યરત છે. કર્ણાટક, મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન છે. જ્યારે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સત્તા છે. આવી જ રીતે મિઝોરમમાં મીઝો નેશનલ ફોર્ન્ટ અને તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિનું શાસન છે. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરી, કર્નાટકમાં મે, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં નવેમ્બર મહિનામાં વિધાનસભાની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. જ્યારે રાજસ્થાન અને તેલંગાણામાં ડિસેમ્બર 2023માં વિધાનસભાની મુદ્દત પૂર્ણ થશે. જેથી જે તે સમયે ચૂંટણીપંચ દ્વારા વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. પરંતુ રાજકીય પક્ષોએ નવ રાજ્યોમાં સારા પ્રદર્શન માટે રણનીતિ ઘડવાની કવાયત શરૂ કરી છે.