
રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બળજબરીથી ધર્માંતરણની કોઈ ઘટના નથી બનીઃ તમિલનાડુ સરકારનો દાવો
નવી દિલ્હીઃ તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બળજબરીથી ધર્મ પરિવર્તનની કોઈ ઘટના નથી બની. નાગરિકોને તેઓ જે ધર્મનું પાલન કરવા માગે છે તે પસંદ કરવાની સ્વતંત્રતા ધરાવે છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તમિલનાડુમાં બળજબરીથી ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. આ અરજીના જવાબમાં તમિલનાડુ સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો છે.
તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે, ‘ભારતીય બંધારણની કલમ 25 દરેક નાગરિકને તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર સુનિશ્ચિત કરે છે. જો કે મિશનરીઓ દ્વારા તેમના ધર્મનો પ્રચાર કરવો એ કાયદાની વિરુદ્ધ નથી પરંતુ જો તેઓ તેમના ધર્મનો ખોટી રીતે પ્રચાર કરે, જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને બંધારણની અન્ય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે તો તે ગંભીર મુદ્દો છે. જ્યાં સુધી તમિલનાડુની વાત છે ત્યાં સુધી છેલ્લા ઘણા સમયથી બળજબરીથી ધર્મ પરિવર્તનની એક પણ ઘટના બની નથી.
તમિલનાડુની ડીએમકે સરકારે કહ્યું કે, ‘ધર્મપરિવર્તન વિરોધી કાયદાનો લઘુમતીઓ સામે દુરુપયોગ થવાનું જોખમ છે’. દેશના નાગરિકોને સ્વતંત્રપણે તેમનો ધર્મ પસંદ કરવાની છૂટ હોવી જોઈએ અને સરકાર તેમની અંગત શ્રદ્ધા અને ગોપનીયતા પર સવાલ ઉઠાવે તે યોગ્ય નથી. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે તમિલનાડુમાં બળજબરીથી ધર્માંતરણનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. તેની તપાસ CBI પાસે કરાવવાની પણ માંગણી કરી હતી.