દુનિયાના આ 36 દેશ જ્યાં નથી સૈન્ય – નથી લશ્કર પાછળનો કોઈ ખર્ચ છતાં અનુભવે છે સલામતી
રિવોઈ ન્યૂઝ, 14 માર્ચ, 2026 – countries without armies વર્તમાન સમયમાં સૈન્ય દળ વિનાનો કોઈ દેશ હોય અથવા કોઈ દેશને સૈન્ય પાછળ એક રૂપિયો પણ ખર્ચ કરવો પડતો ન હોય એવું વિચારવું અશક્ય છે. છતાં હકીકત એ છે કે દુનિયામાં એક-બે કે બે-પાંચ નહીં પરંતુ પૂરા 36 દેશ છે જેમણે દેશની સુરક્ષા માટે સૈન્ય જ રાખ્યું નથી! અને મહત્ત્વનું એ છે કે તે પૈકી એક દેશના સંરક્ષણની જવાબદારી ભારત – ભારતીય સૈન્ય ઉપર છે, એ દેશ છે મોરેશિયસ.
ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના તણાવે વિશ્વને યુદ્ધના ઉંબરે લાવીને ઊભું કરી દીધું છે. આવા સમયમાં સેના વગર રહેવાની વાત કોઈપણ જોખમથી ઓછી લાગતી નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં 36 એવા દેશો અને ક્ષેત્રો છે, જેમની પાસે પોતાની કોઈ સત્તાવાર સેના નથી. આમાંના કેટલાક સંપૂર્ણ સ્વતંત્ર છે તો કેટલાક સંરક્ષણ માટે મોટા દેશો પર નિર્ભર છે. આ વિસ્તારોમાં ન તો ટેન્કોનો ગડગડાટ સંભળાય છે કે ન તો મિસાઈલોનો જથ્થો તૈનાત છે, છતાં તેઓ સુરક્ષિત છે.
આ સુરક્ષાનું સૌથી મોટું રહસ્ય છે- ઇન્ટરનેશનલ ડિફેન્સ પેક્ટ્સ એટલે કે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ કરારો. આ દેશોએ પોતાની ફોજ બનાવવા અને હથિયારો પર અબજોનો ખર્ચ કરવાને બદલે વિશ્વની મહાસત્તાઓ સાથે હાથ મિલાવ્યા છે. જ્યાં કોસ્ટા રિકા જેવા દેશે પોતાની સેનાને બંધારણીય રીતે ખતમ કરી દીધી છે, તો ગ્રીનલેન્ડ અને જિબ્રાલ્ટર જેવા વિસ્તારોની સુરક્ષાની ગેરંટી મોટા દેશોએ લીધેલી છે. મિડલ ઈસ્ટમાં વધતા દારૂગોળાના ઢગલા વચ્ચે આ દેશોનું સુરક્ષા મોડલ સમજવું રસપ્રદ છે.
સેના વગરના 36 દેશો: તો પછી સંરક્ષણની જવાબદારી કોની?
1. બીજા દેશોની સુરક્ષા છત્ર નીચે
આ યાદીમાં એવા અનેક દેશો છે જેમની સુરક્ષાની જવાબદારી અન્ય કોઈ શક્તિશાળી દેશ પાસે છે. જેમ કે વેટિકન સિટીની સુરક્ષા ઈટાલી કરે છે, તો ભૂટાનના રક્ષણ માટે ભારત હંમેશા તૈયાર ઉભું રહે છે. મોનાકોની સુરક્ષાની જવાબદારી ફ્રાન્સે લીધી છે. તો આઈસલેન્ડ પાસે પોતાની ફોજ નથી, પરંતુ તે NATO નો ભાગ છે.. એટલે કે તેના પર હુમલો એ વિશ્વના 30 થી વધુ દેશો પર હુમલો માનવામાં આવશે.
2. ક્ષેત્રો જે સ્વતંત્ર નથી (Dependent Territories)
આ યાદીમાં સામેલ ઘણા નામો એવા છે જે સંપૂર્ણ સ્વતંત્ર દેશો નથી, પરંતુ તેઓ મોટા દેશોના ‘ઓવરસીઝ ટેરિટરી’ અથવા ‘સ્વાયત્ત ક્ષેત્ર’ છે. જેમ કે ગ્રીનલેન્ડની સુરક્ષા ડેનમાર્કના શીરે છે અને જિબ્રાલ્ટર કે બર્મુડા જેવા વિસ્તારોના રક્ષણની જવાબદારી યુનાઈટેડ કિંગડમ (UK) સંભાળે છે. આ વિસ્તારોને સેના પર એક રૂપિયો પણ ખર્ચવાની જરૂર નથી હોતી કારણ કે તેમનો ‘પેરન્ટ દેશ’ તેમની ઢાલ બનીને રહે છે.
3. પોલીસના ભરોસે સુરક્ષા
કેટલાક સ્વતંત્ર દેશો એવા છે જેમણે સેનાને બદલે માત્ર પેરામિલિટ્રી અથવા પોલીસ દળને મજબૂત બનાવ્યું છે. કોસ્ટા રિકા અને પનામા તેના સૌથી મોટા ઉદાહરણો છે. અહીંની પોલીસ એટલી હાઈ-ટેક અને ટ્રેન્ડ છે કે તેઓ આંતરિક સુરક્ષા અને સરહદોની દેખરેખ સરળતાથી કરી લે છે.
શું વર્તમાન યુદ્ધની આ નિઃશસ્ત્ર દેશો પર પણ અસર પડશે?
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે છેડાયેલા સીધા જંગ અને અમેરિકાની સક્રિયતાએ વિશ્વની સુરક્ષા સમીકરણો બદલી નાખ્યા છે. આ 36 દેશો અને ક્ષેત્રો વૈશ્વિક અર્થતંત્ર અને મુત્સદ્દીગીરીથી અલિપ્ત નથી. જો અમેરિકા સીધી રીતે ઈરાન સાથે યુદ્ધમાં ઉતરે છે, તો તે દેશોની સુરક્ષા પર સવાલો ઊભા થઈ શકે છે જેમના રક્ષણની ગેરંટી અમેરિકાએ લીધી છે (જેમ કે માર્શલ આઈલેન્ડ્સ અથવા પલાઉ). આ ઉપરાંત, યુદ્ધના કારણે થનારી મોંઘવારી અને ક્રૂડ ઓઈલની અછત આ શાંતિપ્રિય દેશોનું બજેટ બગાડી શકે છે. આજની દુનિયામાં કોઈ પણ વિસ્તાર યુદ્ધની અસરથી સંપૂર્ણ સુરક્ષિત નથી.
આ છે સેના વગરના 36 દેશો અને ક્ષેત્રઃ
- વાનુઆતુ (Vanuatu): કોઈ સેના નથી, પરંતુ નાની પેરામિલિટ્રી ફોર્સ છે. ઓસ્ટ્રેલિયા, ચીન, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ અને અમેરિકા મદદ કરે છે.
- સોલોમન આઈલેન્ડ્સ: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પોલીસને તાલીમ આપે છે.
- તુવાલુ (Tuvalu): સ્થાપના સમયથી કોઈ સેના નથી.
- પલાઉ: સંરક્ષણની જવાબદારી 2044 સુધી અમેરિકાની છે.
- માઇક્રોનેશિયા: રક્ષણની જવાબદારી અમેરિકા પાસે છે.
- પનામા: 1990 માં સેના ભંગ કરી દેવામાં આવી.
- મોરેશિયસ: પ્રાથમિક સુરક્ષા ભાગીદાર ભારત છે.
- ગ્રેનાડા: કેરેબિયન પ્રાદેશિક સુરક્ષા પ્રણાલી અર્થાત RSSનું સભ્ય.
- ડોમિનિકા: સેના નથી, પ્રાદેશિક સુરક્ષા પ્રણાલી-RSSનો હિસ્સો છે.
- કોસ્ટા રિકા: 1948 માં સેનાને સંપૂર્ણ ખતમ કરી દેવામાં આવી.
- સેન્ટ લ્યુસિયા: સુરક્ષા માટે પ્રાદેશિક સુરક્ષા પ્રણાલી-RSS પર નિર્ભર.
- સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ: પ્રાદેશિક સુરક્ષા પ્રણાલી-RSSનું સભ્ય.
- વેટિકન સિટી: યુદ્ધની સ્થિતિમાં રક્ષણની જવાબદારી ઈટાલીની.
- પ્યુર્ટો રિકો: સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી અમેરિકાની.
- કેમેન આઈલેન્ડ્સ: રક્ષણની જવાબદારી યુનાઈટેડ કિંગડમ (UK) પાસે.
- મોન્ટસેરાટ: સંરક્ષણની જવાબદારી UK ની.
- ફોકલેન્ડ આઈલેન્ડ્સ: સુરક્ષા UK સંભાળે છે.
- સિન્ટ માર્ટન: રક્ષણની જવાબદારી નેધરલેન્ડની.
- અરુબા: નેધરલેન્ડ રક્ષણ માટે જવાબદાર.
- સમોઆ: સંરક્ષણની જવાબદારી ન્યુઝીલેન્ડની.
- નીયુ (Niue): સુરક્ષા ન્યુઝીલેન્ડ પાસે.
- આઈસલેન્ડ: રક્ષણની જવાબદારી NATO ની.
- સાન મેરિનો: ઈટાલી સુરક્ષા માટે જવાબદાર.
- અંડોરા: ફ્રાન્સ અને સ્પેન બંને રક્ષણ કરે છે.
- ન્યુ કેલેડોનિયા: સંરક્ષણની જવાબદારી ફ્રાન્સની.
- ફ્રેન્ચ પોલિનેશિયા: સુરક્ષા ફ્રાન્સ પાસે.
- મોનાકો: રક્ષણની જવાબદારી ફ્રાન્સની.
- ફેરો આઈલેન્ડ્સ: ડેનમાર્ક સંરક્ષણ સંભાળે છે.
- ગ્રીનલેન્ડ: સુરક્ષાની જવાબદારી ડેનમાર્કની.
- હોંગકોંગ: સંરક્ષણની જવાબદારી ચીનની.
- મકાઉ: સુરક્ષાની જવાબદારી ચીન પાસે.
- કુક આઈલેન્ડ્સ: રક્ષણની જવાબદારી ઓસ્ટ્રેલિયાની.
- નાઉરુ (Nauru): સુરક્ષા ઓસ્ટ્રેલિયા સંભાળે છે.
- માર્શલ આઈલેન્ડ્સ: સંરક્ષણની જવાબદારી અમેરિકાની.
- કિરીબાતી (Kiribati): સુરક્ષા સહાય ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આપે છે.
- લિક્ટેંસ્ટીન: જરૂર પડ્યે સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા મદદ કરે છે.


