Site icon Revoi.in

સુરતના અડાજણમાં તબીબના ઘરમાં ચોર પ્રવેશ્યા, CCTV એલાર્મ વાગતા પોલીસ દોડી આવી

Social Share

સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં બહારગામ ગયેલા એક તબીબીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તબીબે ઘરમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવેલા હતા. અને પોતાના મોબાઈલ પર એલર્ટ એલાર્મ મુકેલુ હતુ. તસ્કરોએ જેવો તબીબીના ઘરમાં પ્રવેશ કર્યો કે તરતજ તબીબના મોબાઈલ પર એલાર્મ લાગ્યુ હતુ. નોટિફ્કેશન મળતા તબીબે મધરાતે મોબાઈલથી સીસીટીવી ચેક કરતા બે શખસો જોવા મળ્યા હતા. રાજસ્થાન ગયેલા તબીબે તરત જ પોતાના સુરત રહેતા સંબધીઓ તેમજ પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી હતી. દરમિયાન પોલીસ કાફલો દોડી આવતા તસ્કરો પોલીસને ધક્કો મારીને નાસી ગયા હતા. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે આ સિક્સ-મેન ગેંગના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડી ચોરીના આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના અડાજણ સ્થિત રણછોડ પાર્ક, બંગલા નં. 02 માં રહેતા ડૉ. રાજેશ ત્રિવેદી પરિવાર સાથે દીવાળી વેકેશન માણવા રાજસ્થાન ગયા હતા. દરમિયાન લગભગ સવા ચાર વાગ્યાની આસપાસ તસ્કરો તબીબના ઘરમાં ઘૂસ્યા, ત્યારે રાજસ્થાનમાં તબીબના મોબાઈલમાં તરત જ ઘરની અંદરના કેમેરાનું નોટિફિકેશન એટલે CCTV એલાર્મ વાગ્યું હતુ. તબીબે એક પણ સેકન્ડ બગાડ્યા વિના મોબાઈલથી સીસીટીવી ચેક કર્યું તો ઘરમાં બે અજાણ્યા વ્યક્તિઓની હાજરી દેખાઈ. આ દ્રશ્ય જોતા જ તબીબે તુરંત તેમના પાડોશીઓ, સંબંધી મિત્રો અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને જાણ કરી હતી.

તબીબનો કોલ મળતા જ પડોશીઓ, સંબંધીઓ અને થોડીવારમાં જ પોલીસની પી.સી.આર. વાન સાયરન વગાડતી તેમના ઘરે ધસી ગઈ હતી, જેના કારણે ચોરોને તેમનો પ્લાન અધૂરો છોડવો પડ્યો હતો. જોકે, તે સમય સુધીમાં ચોરોએ રોકડા રૂ. 3000ની ચોરી કરી હતી. દરમિયાન સંબંધીઓ અને પોલીસ બંગલા પાસે પહોંચી, ત્યારે ચોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે એક ચોર તબીબના સાળાની સામે આવી ગયો હતો. પોલીસ અને સંબંધીઓની હાજરી છતાં, બંગલામાં ઘૂસેલા બે તસ્કરોએ તબીબના સાળાને ધક્કો મારીને ફિલ્મી સ્ટાઇલમાં ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસની પી.સી.આર. વાન પણ તેમને પકડી શકી નહોતી. ચોરોની આ હિંમત અને ભાગી છૂટવાની રીત આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. ચોર ફિલ્મી ઢબે ભાગી ગયા હોવા છતાં, સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય ત્રણ આરોપીઓને અમરોલી પાલનપુર ઉગત કેનાલ રોડ પરથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ભોપીન્દ્ર પ્રેમસિંગ સારકી (નેપાળ મૂળ, કાર વોશિંગ), રોશન હરેશભાઈ સારકી (નેપાળ મૂળ, ચાઈનીઝ કામ) અને સૌરભ રમેશભાઈ કનોજીયા (યુ.પી. મૂળ, લોન્ડ્રી)નો સમીવેશ થાય છે.

પોલીસની પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું કે આ ચોરીનો પ્લાન કુલ છ લોકોએ મળીને બનાવ્યો હતો, જેમાં તેમના ત્રણ નેપાળી સહઆરોપીઓ પણ સામેલ હતા. બે નેપાળી સહઆરોપીઓ તબીબના બંધ બંગલામાં ચોરી કરવા પ્રવેશ્યા હતા.ઝડપાયેલા ત્રણેય આરોપીઓ બંગલાની બહાર રોડ ઉપર નજર રાખવા વોચ કરતા હતા. ચોરી કરીને ભાગેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 40,000ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. આ રીતે, તબીબના સીસીટીવી એલર્ટથી શરૂ થયેલી અને ફિલ્મી સ્ટાઇલ ભાગી છૂટવા સુધી પહોંચેલી ઘટનાનો ભેદ આખરે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે અને ફરાર અન્ય ત્રણ નેપાળી સહઆરોપીઓને પકડવા માટે તપાસ ચાલુ છે.

Exit mobile version