
અમેરિકા કે જેને દુનિયાભરના લોકો વિશ્વનું સ્વર્ગ કહે છે, અમેરિકાને લઈને લોકો એમ પણ કહે છે કે અમેરિકામાં રહેવા મળે એટલે તે નસીબદાર માણસ કહેવાય, અમેરિકાને લોકો આ રીતે પસંદ કરે છે તેની પાછળના કારણ પણ છે કે લોકો માને છે કે અમેરિકામાં સારી રીતે કમાવવા મળે છે, આબોહવા પણ સારી એવી છે, મોટી ઈમારતો, ડોલર. આવામાં હવે અમેરિકાના કેલિફોર્નિયામાં સરકાર દ્વારા એવું પગલું ભરવામાં આવ્યું કે જેના કારણે અમેરિકાનું નામ ઈતિહાસમાં આ બાબતે પણ લખાઈ ગયું.
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં 2035થી પેટ્રોલ અને ડીઝલ વાહનોનું વેચાણ નહીં થાય. આબોહવા પરિવર્તન સામેની લડત અને સ્વચ્છ ઉર્જા વિકલ્પોને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક મોટું પગલું માનવામાં આવે છે. આ નિર્ણયથી અહીંની સરકાર દુનિયામાં ક્યાંય પણ આ પ્રકારનું પગલું ભરનારી પહેલી સરકાર બની ગઇ છે.
યુ.એસ. રાજ્યના પર્યાવરણીય દેખરેખ વિભાગ, કેલિફોર્નિયા એર રિસોર્સિસ બોર્ડે એડવાન્સ ક્લીન કાર II પ્લાનને મંજૂરી આપવા માટે સર્વાનુમતે મત આપ્યો હતો, જે 2035 થી ફક્ત ઇલેક્ટ્રિક અને પ્લગ-ઇન હાઇબ્રિડ વાહનોના વેચાણ માટે ફરજિયાત છે. બ્લૂમબર્ગ દ્વારા બોર્ડના અધ્યક્ષ લિયાન રેન્ડોલ્ફને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, “કેલિફોર્નિયા, અમારા ભાગીદાર રાજ્યો અને વિશ્વ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આપણે શૂન્ય-ઉત્સર્જન ભવિષ્ય તરફનો આ માર્ગ તૈયાર કરીએ છીએ.”
ઇલેક્ટ્રિક વાહનોની ઊંચી કિંમત અને તેની ઓછી રેન્જ હજુ પણ એક મોટી સમસ્યા છે. જો કે તેમનો ખર્ચ ધીમે ધીમે ઘટી રહ્યો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો આવા વાહનોને ઝડપથી અને અનુકૂળ સ્થળોએ ચાર્જ કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, કેલિફોર્નિયાના માત્ર ઇવી અને પ્લગ-ઇન હાઇબ્રિડ વાહનો વેચવાના નિર્ણયથી યુએસના અન્ય રાજ્યોને પણ અસર થવાની સંભાવના છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપી શકે છે.