જમણવારમાં ચાર ચાંદ લગાવી દેશે ટેસ્ટી ગાજર-કાકડીનું રાયતું, જાણો રેસીપી
થાળીમાં જો રાયતું પીરસવામાં આવે તો ભોજનનો આનંદ બમણો થઈ જાય છે. રાયતાની ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે બહુ ઓછી સામગ્રીની જરૂર પડે છે અને તે મિનિટોમાં તૈયાર થઈ જાય છે. ભલે બિરયાની હોય, પરોઠા હોય કે પછી દાળ-ભાત, રાયતું દરેક વાનગીનો સ્વાદ નિખારે છે. જો તમે પણ કોઈ સ્પેશિયલ રાયતાની રેસીપી શોધી રહ્યા છો, તો આજે અમે તમને જણાવીશું ‘ગાજર અને કાકડીનું મિક્સ રાયતું’ બનાવવાની સૌથી સરળ રીત.
- જરૂરી સામગ્રી
દહીં: 1 કપ
ગાજર: 1 નંગ (છીણેલું)
કાકડી: 1 નંગ (છીણેલી)
મીઠું: સ્વાદ મુજબ
સંચળ (કાળું મીઠું): એક ચપટી
શેકેલા જીરાનો પાવડર: અડધી ચમચી
મરી પાવડર: અડધી નાની ચમચી
લાલ મરચું પાવડર: અડધી ચમચી
કોથમીર: 2 મોટી ચમચી (ઝીણી સમારેલી)
બનાવવાની રીત : સૌથી પહેલા ગાજરને ધોઈને બરાબર છીણી લો. ત્યારબાદ કાકડીને ધોઈ, છોલીને તેને પણ છીણી લો. કાકડી છીણ્યા પછી તેને હાથથી દબાવીને તેનું વધારાનું પાણી કાઢી નાખવું જેથી રાયતું પાતળું ન થઈ જાય. એક મોટા વાસણમાં દહીં લો અને તેને વલોણીથી બરાબર ફેંટી લો જેથી તે સ્મૂધ થઈ જાય. હવે આ દહીંમાં છીણેલું ગાજર અને કાકડી ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો. મિશ્રણમાં સ્વાદ મુજબ સાદું મીઠું, સંચળ, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર અને લાલ મરચું ઉમેરો. છેલ્લે બધી સામગ્રીને બરાબર હલાવી લો અને ઉપરથી તાજી ઝીણી સમારેલી કોથમીર ભભરાવો. તમારું ટેસ્ટી અને હેલ્ધી ગાજર-કાકડીનું રાયતું તૈયાર છે! તેને ઠંડુ સર્વ કરવા માટે તમે થોડીવાર ફ્રીજમાં પણ રાખી શકો છો.


