
પુંછમાં આતંકી હુમલોઃ ભારતીય સેનાનું આ યુનિટ ત્રાસવાદીઓનો કાળ, જાણો આ યુનિટની વીરતા
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકવાદીઓએ ભારતીય સેનાના વાહન ઉપર હુમલો કર્યો હતો. જેમાં ભારતીય સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો શહીદ થયાં છે. રાષ્ટ્રીય રાઈફલ્સ વર્ષોથી કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહ્યું છે. તેમજ અત્યાર સુધી અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. જેથી રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોને આતંકવાદીઓએ નિશાન બનાવ્યાં હોવાનું સંરક્ષણ તજજ્ઞો માની રહ્યાં છે.
રાષ્ટ્રીય રાઈફલ્સ ભારતીય સેનાનું એસ યુનિટ છે જેની રચના 1990ના દાયકામાં તત્કાલિન સેના પ્રમુખ વીએન શર્માએ કરી હતી. લેફ્ટન્ટ જનરલ પીસી મોનકોટિયા તેના પ્રથમ ડાયરેક્ટર જનરલ હતા. પ્રારંભમાં રાષ્ટ્રીય રાઈફલ્સની 6 બટાલિયન હતી. ત્રણ જમ્મુ-કાશ્મીર અને 3 પંજાબમાં તૈનાત કરાઈ હતી. જો કે, ઘાટીમાં આતંકવાદી ઘટનાઓ વધતા પંજાબમાં તૈનાત 3 બટાલિયનને કાશ્મીરમાં શિફ્ટ કરવામાં આવી હતી. આ સમયગાળામાં પાકિસ્તાનથી તાલિમ લઈને આવેલા આતંકવાદીઓ કાશ્મીરમાં કત્લેઆમ કરી રહ્યાં હતા. દ્રઢતા અને વીરતાને વરેલી રાષ્ટ્રીય રાઈફલ્સ દુનિયાની સૌથી મોટી એન્ટી-ટેરરિસ્ટ યુનિટ છે. હાલના સમયમાં 65 બટાલિયન છે જે પાંચ કંપનીઓ રોમિયો ફોર્સ, હેલ્ટા ફોર્સ, વિક્ટર ફોર્સ, કિલો ફોર્સ અને યુનિફોર્મ ફોર્સમાં વહેંચાયેલી છે.
રાષ્ટ્રીય રાઈફલ્સના તમામ ફોર્સ પાસે જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારની જવાબદારી છે. રોમિયો ફોર્સ પાસે રાજોરી અને પુંછ, ડેલ્ટા ફોર્સ પાસે ડોડા, વિક્ટર ફોર્સ પાસે અનંતનાગ, પુલવામા, શોપિયા, કુલગામ અને બડગામ, કિલો ફોર્સ પાસે કુપવાડા, બારામુલા અને શ્રીનગર તથા યુનિફોર્મ ફોર્સ પાસે ઉધમપુર અને બનિહાલની સુરક્ષાની જવાબદારી છે. રાષ્ટ્રીય રાઈફલ્સ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદીઓના સફાઈનું કામ કરે છે. આ ઉપરાંત ઘાટીમાં આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન ચલાવીને આતંકીઓના ઠેકાણા ઉપર દરોડા પાડી હથિયારો જપ્ત કરવાની સાથે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે.
રાષ્ટ્રીય રાઈફલ્સ પાસે હથિયારોનો ખજાનો અને એરક્રાફ્ટ સહિતના આધુનિક ટેકનોલોજી સજ્જ હથિયાર છે. એટલું જ નહીં રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો પોતાની સાથે હંમેશા એકે-47 રાખે છે. વર્ષ 2018માં રાષ્ટ્રીય રાઈફલ્સની સિલ્વર જ્યુબલિ ઉજવામાં આવી હતી. તે સમય સુધીમાં ઘાટીમાંથી 16300થી વધારે આતંકીઓનો સપાયો કરાયો હતો. જેમાં 8522 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જ્યારે 6737 આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી. જ્યારે 1109 આતંકવાદીઓએ રાષ્ટ્રીય રાઈફલ્સના ડરથી આત્મસમર્પણ કર્યું હતું. ગૃહ વિભાગના આંકડા અનુસાર વર્ષ 2018થી 2022 સુધીના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં 989 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા.