 
                                    ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને પોલીસે અટકાવતા માથાકુટ થઈઃ અંતે મામલો ઉકેલાયો
ગાંધીનગરઃ પાટનગરના સ્વર્ણમ સંકુલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઈને તમામ પ્રધાનોની કચેરીઓ આવેલી છે. રાજ્યના નાગરિકો પોતાના પ્રશ્નોની રજુઆત માટે આવતા હોય છે પણ સ્વર્ણમ સંકુલમાં પ્રવેશ મેળવવો ખૂબ અઘરો બની ગયો છે. સામાન્ય નાગરિકો જ નહીં પણ ધારાસભ્યોને પણ પ્રવેશ માટે મુશ્કેલી પડી રહી છે. મંગળવારનો દિવસ ધારાસભ્યો અને સાંસદો માટે રજુઆતનો દિવસ નક્કી કરાયો છે, આજે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય એવા લલિત કગથરા, કિરીટ પટેલ અને લલિત વસોયા સ્વર્ણિમ સંકુલમાં-1માં રજૂઆત કરવાપ્રધાનને મળવા માટે ગયા હતા. પ્રધાનને મળવા માટે પહોંચેલા કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યને ફરજ પરના પોલીસ જવાને અટકાવી અસભ્ય વર્તન કરતાં મામલો બિચક્યો હતો, જેને પગલે ધારાસભ્યો ધરણાં પર બેસી ગયા હતા. જોકે ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. તો બીજી તરફ સલામતી શાખાના પીએસઆઇ એમ.બી. સાલ્વીએ દાવો કર્યો હતો કે ધારાસભ્યો દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હોવાથી મામલો બિચક્યો હતો.
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં પ્રધાનને મળવા માટે પહોંચેલા ત્રણેય ધારાસભ્યને ફરજ પરના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટરે અટકાવ્યા હતા, આથી તેમણે સંબંધિત પ્રધાનને મળવાની વાત કરી હતી. આમ છતાં પોલીસ જવાને તેમને અંદર પ્રવેશ આપ્યો નહોતો. થોડી વાતચીત દરમિયાન મામલો હુંસાતુંશી પર આવી ગયો હતો. એ દરમિયાન પોલીસ જવાન એકદમ અકળાઈને ધારાસભ્યો સાથે અસભ્ય વર્તન કરીને કહ્યું, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો. એથી સ્વર્ણિમ સંકુલમાં વાતાવરણ તંગ બની ગયું હતું ધારાસભ્ય અને પોલીસની માથાકૂટ જોઈને સ્વર્ણિમ સંકુલમાંથી લોકો પણ આ તમાશો જોવા માટે દોડી આવ્યા હતા. આખરે ત્રણેય ધારાસભ્યોએ સ્થળ પર જ ધરણાં શરૂ કર્યા હતા. આ વાત વાયુવેગે પ્રસરી જતાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા, જેમની દરમિયાનગીરીથી મામલો થાળે પડતાં ધારાસભ્યોએ તરત જ ધરણા સમેટી લીધા હતા.બીજી તરફ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ આ બાબતની ગંભીર નોંધ લઈ નિવેદન આપ્યું હતું કે કોઈપણ ધારાસભ્યનું સન્માન જળવાવું જોઈએ. સિક્યોરિટીએ વિવેકથી વાત કરવી જોઈએ. જ્યાં ધ્યાન દોરવાનું છે ત્યાં હું જાણ કરીશ અને બીજી વાર આમ ન બને એ માટે સૂચના આપીશ.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

