Site icon Revoi.in

ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક ભેંસલા ગામ પાસે ઈકોકારે બાઈકને ટક્કર મારતા ત્રણના મોત

Social Share

મોડાસાઃ ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક આવેલા ભેંશલા ગામ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે એક બાળક અને એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક આવેલા ભેંશલા ગામ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.  અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ ઇકો કાર રોડની બાજુમાં આવેલા એક ગરનાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ઇકો કારના ચાલક અને બાઇક પર સવાર બે વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.  બાઇક ચાલક અરવલ્લી જિલ્લાના મલોજ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળક અને મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજસ્થાનની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.