Site icon Revoi.in

ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખબક્યા બાદ આગ લાગતા ત્રણનાં મોત

Social Share

રાજકોટ, 30 જાન્યુઆરી 2026: રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત ગોંડલ-આટકોટ હાઈવે પર સર્જાયો હતો. ગોંડલ-આટકોટ હાઈવે આજે વહેલી સવારે મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે પૂરફાટ ઝડપે કાર પુલ નીચે ખાબક્યા બાદ આગ લાગતા બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ જીવતા ભુંજાયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બચવાની એક તક પણ મળી ન હતી.

​આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  ગોંડલ-આટકોટ હાઈવે આજે વહેલી સવારે મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે પૂરફાટ ઝડપે કાર પુલ નીચે ખાબક્યા બાદ આગ લાગતા બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ જીવતા ભુંજાયા હતા. આજે વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ સાણથલી 108 એમ્બ્યુલન્સને અકસ્માતનો કોલ મળ્યો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ​ ગોંડલ તરફ પૂરઝડપે જઈ રહેલી ઓરા કાર નં.GJ 34 N 0962ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પરથી નીચે ઉતરી 8 ફૂટની ઊંચાઈએથી પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતા જ ઈંધણ લીકેજ કે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. કાર પટકાવાને કારણે તેના દરવાજા જામ થઈ ગયા હતા, પરિણામે અંદર સવાર એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ બહાર નીકળી શક્યા ન હતા અને જોતજોતામાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. ત્રણેય મૃતકો શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં પ્રયાગભાઇ ગણપતસિંહ બારૈયા, (ગૃપાચાર્ય, મોટી સઢલી પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર) આશાબેન સત્યપાલ ચૌધરી, (શિક્ષિકા, ગાબડિયા પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર) અને નીતાબેન એન્ટોની પટેલ, (શિક્ષિકા, ગાબડિયા પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર)નો સમાવેશ થાય છે.

આ અકસ્માતના બનાવની જાણ થતા જ ગોંડલ નગરપાલિકાના ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં કારસવાર લોકો સંપૂર્ણ બળીને ભડથું થઈ ગયા હતા. કાર પડીકું વળી ગઈ હોવાથી સ્પેશિયલ રેસ્ક્યૂ ફાયર ફાઈટરની મદદથી હાઇડ્રોલીક અને સાદા કટર વડે ગાડીના દરવાજા કાપવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ અંદરથી હાડપિંજર બની ગયેલા ત્રણ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.  હાલ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ડીએનએ ટેસ્ટ માટે રાજકોટ ફોરેન્સિક લેબ (FSL) ખાતે ખસેડવામાં આવ્યા છે.

Exit mobile version