
જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, ત્રણના મોત, પાંચ રહિશોને કાટમાળમાંથી બહાર કઢાયાં
જામનગરઃ શહેરમાં સાધના કોલોનીમાં એક 3 માળનો જૂની ઈમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં કાટમાળમાંથી બહાર કઢાયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. જેની સારવાર ચાલી રહી છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. સમીસાંજે આ ઘટના બનતાં જ આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતુ.
જામનગર મ્યુનિ.ના ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરની સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગના ત્રણ માળિયા મકાનનો એક બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ લોકોને ઈજા થઈ હતી. જેની સારવાર ચાલી રહી છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયા હતા. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાના કારણે કાટમાળમાં કેટલાક લોકો દટાયાની પૂરતી શક્યતા છે. હાલ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પર 5થી વધુ 108 તૈયાર રાખવામાં આવી છે. સ્થાનિક રહિશોના જણાવ્યા મુજબ શુક્રવારે સાંજના પાંચ વાગ્યા આસપાસ એક જોરદાર ધડાકાનો અવાજ સંભળાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને જોયું તો ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. અહીં જે ત્રણ માળની ઈમારત હતી તે ધરાશાયી થયેલી જોવા મળી હતી. આ બિલ્ડીંગમાં છ મકાનમાં લોકો રહેતા હતા. બનાવની જાણ થતાં ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.