- નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાને લીધે ત્રણ વાહનો પલટી ગયો,
- અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવા ક્રેન લાવવામાં મુશ્કેલી પડી,
- સામખિયાળી ટોલગેટ પર ટ્રાફિકને હળવો કરવા પોલીસે જહેમત ઉઠાવી
ભૂજઃ કચ્છમાં વરસાદને લીધે નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. જેમાં કંડલાના હનુમાન મંદિર નજીક ગત રાત્રે હાઈવે પરના ખાડાઓને કારણે ત્રણ ભારે વાહનો પલટી પલટી ખાતા હાઈવે બ્લોક થઈ ગયો હતો. જેના લીધે કંડલાથી પડાણા સુધીના 20 કિલોમીટર વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિક જામની ખબર મળતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને મધરાતથી કંડલા પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખમાં પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક ક્લીયર કરાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાઈવે પર અસંખ્ય માલવાહક વાહનોની કતારો લાગતા અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવા માટે જેસીબી અને ક્રેન લાવવામાં પણ મુશ્કેલી પડી હતી.
ગાંધીધામ ટ્રાન્સપોર્ટેશનનું હબ ગણાય છે. દેશનું સૌથી મોટુ પોર્ટ હોવાથી આયાત-નિકાસનું સંચાલન થાય છે. વરસાદને લીધે હાઈવે પર ખાડા પડી જતા છેલ્લા એક સપ્તાહથી ટ્રાફિક જામની સમસ્યા વકરી છે. લાંબા ટ્રાફિકજામને કારણે લોકોનો સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે. પોલીસ વિભાગ ટ્રાફિક ક્લિયર કરવા માટે સતત પ્રયાસરત છે. ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે હાઈવેના મરામતનું કામ હાથ ધરવામાં આવે તેવી માગ ઊઠી છે.
કચ્છના પ્રવેશ દ્વાર સમા સામખિયાળી ટોલગેટ પાસે પણ પાણી ભરાતા અને કાદવકીચડને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.સામખિયાળી ટોલગેટ પરથી રોજના 20થી 22 હજાર વાહનોનું સંચાલન પોલીસે સફળતાપૂર્વક કર્યું હતું. પોલીસના પ્રયાસોથી લગભગ 45 એમ્બ્યુલન્સને સમયસર રસ્તો મળ્યો હતો. 50થી વધુ નાના-મોટા વાહનો કાદવ અને પાણીમાં ફસાયા હતા. પીઆઇ વિકે ગઢવી સાથે પોલીસકર્મીઓએ જાતે ધક્કા મારીને આ વાહનોને બહાર કાઢ્યા હતા. સામખિયાળીથી સૂરજબારી બ્રિજ સુધીના રસ્તા પર ખાડા પડ્યા હતા. રોડ ધસી જવા છતાં પોલીસ સ્ટાફે વાહનોને સલામત રીતે પસાર કરાવ્યા હતા. જરૂર પડ્યે JCB મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.