Site icon Revoi.in

મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના મોત

Social Share

ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે આજે મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર એક્ટિવા પર કન્ટેનર પડતાં ત્રણ યુવાનનાં ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. ત્રણેય યુવક કન્ટેનર નીચે કચડાઈ ગયા હતા. આ બનાવને જાણ થતા પોલીસ દોડી આવી હતી. અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

આ બનાવની વિગત એવી છે કે, મુન્દ્રા-અંજાર ધોરીમાર્ગ પરના ખેડોઇ નજીક આજે બપોરે કન્ટેનર ટ્રેલર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પૂરપાટ ઝડપે જઈ રહેલું એક ટ્રેલર અચાનક બેકાબૂ બની જતાં તેના પર રહેલું કન્ટેનર ફંગોળાઈને બાજુમાંથી પસાર થતા એક્ટિવા ઉપર પડ્યું હતું. અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ આશાસ્પદ યુવાન તેની નીચે દબાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે એક યુવકના શરીરના બે ભાગ થઈ ગયા હતા. જ્યારે એક્ટિવાના ફુરચેફુરચા બોલી ગયા હતા. મૃતદેહોને અંજાર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.

આ અકસ્માતના બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ સ્થાનિક લોકોની મદદથી પોલીસને જાણ કરવામાં આવી હતી. અંજાર પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી. કન્ટેનરને દૂર કરવા માટે ક્રેન બોલાવવી પડી હતી. કલાકો સુધી ચાલેલી આ કામગીરી બાદ કન્ટેનર નીચે દબાયેલા ત્રણ યુવાનના મૃતદેહોને બહાર કાઢી અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત્યુ પામનારા યુવાનોમાં એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે, જ્યારે ત્રીજા યુવાનની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. ત્રણેય યુવાન મિત્રો હતા અને અકસ્માત સમયે એકસાથે પોતાના કામ અર્થે એક્ટિવા લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. અંજાર પોલીસ દ્વારા ટ્રેલરના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંજાર વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ અકસ્માત અંગે જણાવતાં કહ્યું હતું કે અંજારના યુવકો એસી રિપેરિંગનું કામ કરતા હતા અને ખેડોઈ પુલ નજીક ઊભા હતા, ત્યારે પીધેલી હાલતમાં રહેલા ટ્રેલરચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. એમાં કન્ટેનર તળે કચડાઈ જવાતી ત્રણેય યુવકનાં મોત થયાં છે. મૃતકોના સાથી ધર્મેશે જણાવ્યું હતું કે ત્રણેય યુવકો છૂટક કામ કરતા હતા, જેમાં બે અપરિણીત, જ્યારે એક યુવકના હાલમાં જ લગ્ન થયા હતા.