ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો જ સમય બાકી રહ્યો છે. અને આગામી વિધાનસભાના શિયાળુ સત્રમાં સરકાર દ્વારા 2022-23નું બજેટ રજુ કરવામાં આવશે જે ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ હશે. એટલે બજેટમાં લોકહિતના અનેક નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે.બીજીતરફ ખર્ચને પહોંચી વળવા માટે સરકારે બીન જરૂરી ખર્ચાઓ પર કાપ મુકવાનો નિર્ણય લીધો છે. જેમાં સરકારી કચેરીઓમાં સ્ટાફની નવી જગ્યાઓ ઊભી કરવા ઉપર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. વિભાગોને સ્પષ્ટ કહેવાયું છે કે 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ ન થયો હોય તેવી નવી જગ્યાઓ અપવાદરૂપ કિસ્સામાં જ મંજૂર કરવામાં આવશે.
રાજ્યના નાણા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું પહેલું અને છેલ્લું બજેટ સરકારી વિભાગો માટે કરકસરવાળું રહે તેવું જણાઇ રહ્યું છે. બજેટની તૈયારી સાથે નાણા વિભાગે નવી યોજનાઓ, નવી માંગણીઓ સંદર્ભે તમામ વિભાગોને માર્ગદર્શન આપતો પરિપત્ર મોકલ્યો છે. જે મુજબ વિભાગોએ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઇ સંવર્ગ માટેની જગ્યાના નોર્મ્સમાં ફેરફાર કરવા માટે વિચારણા કરવાની રહે છે અને મહેકમમાં ઘટાડો કરવાની પણ કાર્યવાહી કરવાની રહેશે. જરૂર હોય ત્યાં આઉટસોર્સીંગથી સેવાઓ લેવા પર પણ ભાર મૂકાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના નાણા વિભાગે નવાં વાહનોની ખરીદી પર પણ નિયંત્રણ રાખવાની સૂચનાઓ આપી છે. વિભાગોનું નવું વાહન રદ બાતલ થયું હોય તેની સામે નવું વાહન ખરીદવાને બદલે ભાડે રાખી શકાય કે કેમ તેની ચકાસણી કર્યા બાદ જ નવા વાહનની દરખાસ્ત મોકલવાની રહેશે. વિભાગોને સ્પષ્ટ કહેવાયું છે કે ફક્ત જૂજ કિસ્સામાં જ નવા વાહનો ખરીદવાની દરખાસ્ત કરવાની રહેશે. બજેટમાં સમાવવાની થતી નવી બાબતોની તમામ દરખાસ્તોને નાણા વિભાગ દ્વારા પ્રિ બજેટ સ્ક્રૂટીની સમયે જ પુરેપુરી ચકાસણી કરીને વ્યાજબીપણું ધ્યાનમાં લઇને જ સૈદ્ધાંતિક મંજૂરી આપશે