રેલવેના એસી કોચમાં ધાબળા-ચાદર નહીં અપાતા પ્રવાસીઓને પડતી મુશ્કેલી
અમદાવાદઃ શિયાળાના આગમનને ગણતરીના દિવસ બાકી છે. ત્યારે ઠંડીનું ધીમા પગલે આગમન થઈ ગયું છે. ત્યારે રેલવેના એસી કોચમાં પ્રવાસીઓને અપાતા બેડરોલ એટલે કે, ધાબળા,ચાદર,ઓશિકું, ટુવાલ વગેરે સુવિધા જે પહેલા અપાતી હતી તે કોરોનાને લીધે બંધ કરાયા બાદ હજુ શરૂ કરવામાં આવી નથી. એટલે ઠંડીમાં પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. એસી કોચમાં રેલવેએ યુઝ એન્ડ થ્રો બેડરોલ આપવાનું આયોજન કર્યું હતું. પરંતુ હજુ સુધી અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય સ્ટેશનો પર પણ ડિસ્પોઝેબલ બેડરોલ ન અપાતા લોકોને ઘરેથી ચાદર-ધાબળા લાવવા પડે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત દેશમાં કોરોનાના કેસ શરૂ થતા રેલવે દ્વારા જૂન 2020થી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે એસી કોચમાંથી પરદા હટાવી દેવાની સાથે પેસેન્જરોને આપવામાં આવતા બેડરોલની સુવિધા પણ બંધ કરી દીધી હતી. પરંતુ આજે લગભગ દોઢ વર્ષ બાદ કોરોનાના કેસ ઘટવાની સાથે મોટાભાગની ટ્રેનોનું સંચાલન શરૂ કરી દેવાયું છે, છતાં ટ્રેનોમાં હજુ પણ બેડરોલની સુવિધા શરૂ કરાઈ નથી. બીજી બાજુ દેશભરમાં શિયાળો શરૂ થવાની સાથે હવે કોચમાં ચાદર અને ધાબળાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ત્યારે મોટાભાગના પેસેન્જરોને ઘરેથી ધાબળા અને ચાદર લઈને આવવું પડે છે. જેના કારણે લગેજ વધી જતા પેસેન્જરોને હાલાકી ભોગવવી પડે છે. પેસેન્જરોને ટ્રેનમાં ધાબળા કે ચાદર મળતા નથી ત્યારે બીજી બાજુ રેલવેની અમદાવાદ સ્ટેશન નજીક આવેલી મેકેનાઈઝ્ડ લાઉન્ડ્રીમાં કરોડો રૂપિયાના હજારો બેડરોલ ધૂળ ખાઈ રહ્યા છે.