Site icon Revoi.in

શ્રાવણ મહિનાનો આજે ત્રીજો સોમવાર, શિવાલયોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું

Social Share

અમદાવાદઃ આજે, પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે, જે શિવભક્તો માટે અત્યંત આસ્થા અને ઉત્સાહનો દિવસ છે. વહેલી સવારથી જ ગુજરાતભરનાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતુ. શવ મંદિરોનું વાતાવરણ ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઊઠ્યુ હતુ. ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી હતી. ઘણા ભક્તો દૂર-દૂરથી પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા હતા. અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં ભક્તિનો માહોલ જામ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યાથી મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી દેવામાં આવ્યા હતા. સવારથી જ શિવભક્તોનો માનવ મહાસાગર ઉમટ્યો હતો.

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં સવારે 6 વાગ્યે પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની મહાપૂજા કરવામાં આવી. ત્યારબાદ સાત વાગ્યે દિવ્ય પ્રાતઃ આરતીના દર્શન કરી શિવભક્તો અભિભૂત બન્યા હતા. આરતી બાદ સોમનાથ મહાદેવને પ્રિય એવા બિલ્વપત્રનું સવાલક્ષ બિલ્વાર્ચન પંડિતો દ્વારા શરૂ કરવામાં આવ્યું. સવારે 8:30 કલાકે શ્રી સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અજય દુબે સહિતના અધિકારીઓ સહપરિવાર ભગવાન સોમનાથ મહાદેવની પાલખી પૂજામાં સામેલ થયા હતા.  શાસ્ત્રોક્ત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી. પરંપરા અનુસાર, પાલખી યાત્રામાં સોમનાથ મહાદેવ ભક્તોને આશીર્વાદ દેવા પધારે છે અને તેમના કષ્ટ હરે છે.

સોમનાથ મંદિરમાં પ્રાતઃકાળે મહાદેવને પીતાંબર અને વિવિધ સુગંધિત પુષ્પોનો અલૌકિક શૃંગાર અર્પણ કરવામાં આવ્યો. દર્શનાર્થીઓએ આ દૈવી ઝાંખી કરી આત્મિક આનંદ અનુભવ્યો હતો. મંદિર પરિસરમાં “ઓમ નમઃ શિવાય” અને “હર હર મહાદેવ”ના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું.

પાલખી યાત્રામાં  સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગને ચંદનથી લેપિત કરી ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિતના પુષ્પહારોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. મંદિરમાં પ્રદક્ષિણા માટે નીકળેલી પાલખી યાત્રા “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના ઉલ્લાસભેર નાદ સાથે મંદિર પરિસરમાં ફરી હતી. આ પાવન પ્રસંગે  સોમનાથ ટ્રસ્ટ પરિવાર અને મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શનાર્થીઓ ભક્તિભાવથી જોડાયા હતા.