Site icon Revoi.in

આજે વિશ્વ દૂધ દિન, ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.5 ટકા

Social Share

 અમદાવાદઃ  વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને “વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક પોષકતત્વો ધરાવતું દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહિ, પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. આજે વિશ્વનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૨ (બે) ટકાના દરે વધી રહ્યું છે, જ્યારે ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે 5.7 ટકાના દરે તેજ ગતિએ વધી રહ્યું છે. ભારતની કુલ GDPમાં લગભગ 4.5  ટકા જેટલો ફાળો ડેરી ઉદ્યોગ ક્ષેત્રનો છે.

દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં પ્રથમ

ભારત વર્ષ 1998થી  આજ દિન સુધી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ રહ્યું છે. ભારત દેશ વાર્ષિક 239 મિલિયન ટન જેટલા દૂધ ઉત્પાદન સાથે વૈશ્વિક દૂધ
ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલો ફાળો ધરાવે છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલી વિવિધ પહેલોના પરિણામે દર વર્ષે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં તેજ ગતિએ વધારો થઇ રહ્યો છે. માત્ર છેલ્લા એક દાયકામાં જ દેશના દૂધ ઉત્પાદનમાં ૬૩ ટકા જેટલો વધારો નોંધાયો છે. આટલું જ નહિ, દેશમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૪૮ ટકા વધીને આજે ૪૭૧ ગ્રામ પ્રતિ દિન થઇ છે.

ગુજરાતના દૂધ ઉત્પાદનમાં સતત વધારો

ગુજરાત પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પશુપાલન મંત્રી  રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ આજે વાર્ષિક 18 મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.5  ટકા જેટલો ફાળો આપી રહ્યું છે. રાજ્ય સરકારના સફળ પ્રયાસોથી છેલ્લા બે દાયકામાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. આ બે દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 9.26 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. આટલું જ નહિ, ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૩૮ ટકા વધીને આજે 700  ગ્રામ પ્રતિ દિન થઇ છે.

દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે રાજ્ય સરકરના સફળ પ્રયાસો

દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવવા માટે સારી નસલના પશુ, પશુઓનું સારું સ્વાસ્થ્ય અને સરકારની ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે જ, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના પશુઓને ગુણવત્તાયુક્ત અને ઉત્તમ પશુ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર હતો. જેના પરિણામ સ્વરૂપે આજે રાજ્યમાં પશુ ચિકિત્સા-સારવારનું સુદ્રઢ માળખું ઉભું થયું છે.