
ઈન્ડિયા ગઠબંધનની આવતીકાલે યોજાનારી બેઠક ટળી,આ કારણ આવ્યું સામે
દિલ્હી: ઈન્ડિયા ગઠબંધનની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. આવતીકાલે 6 ડિસેમ્બરે આ બેઠક મળવાની હતી. કેટલાક મહત્વના લોકો આ બેઠકમાં હાજર રહી શક્યા ન હોવાના અહેવાલો હતા, જે બાદ આ બેઠકને હાલ પુરતી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી રવિવાર અને સોમવારે થઈ હતી.ભાજપને પાંચમાંથી ત્રણ રાજ્યોમાં પૂર્ણ બહુમતી મળી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળી છે, જ્યારે મિઝોરમમાં ZPMને સંપૂર્ણ બહુમતી મળી છે. રવિવારે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમામ 28 વિરોધ પક્ષોને બેઠક માટે બોલાવ્યા હતા.આ ઈન્ડિયા ગઠબંધનની ચોથી મીટિંગ થવા જઈ રહી હતી.
આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોની પણ સમીક્ષા થવાની હતી. આ પહેલા પણ ઈન્ડિયા ગઠબંધનની ત્રણ બેઠકો થઈ ચૂકી છે. ઈન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક પટનામાં યોજાઈ હતી. બિહારના સીએમ નીતિશ કુમારે આ બેઠકનું નેતૃત્વ કર્યું હતું. ઈન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક 23 જૂને યોજાઈ હતી. આ પછી, 17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં ઈન્ડિયા એલાયન્સની બીજી બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં ઈન્ડિયા ગઠબંધનનું પૂર્ણ સ્વરૂપ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરની વચ્ચે ઈન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક મુંબઈમાં બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. હવે ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક આવતીકાલે એટલે કે 6 ડિસેમ્બરે મળવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી છે.