ભારતઃ પ્રથમ કોવિડ દર્દીને ફરીથી લાગ્યું કોરોનાનું સંક્રમણ
દિલ્હીઃ ભારતમાં માર્ચ 2020માં ચીનથી પરત આવેલી મેડિકલની વિદ્યાર્થીને પ્રથમવાર કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં હાલ કોરોના રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન દોઢ વર્ષ પહેલા પ્રથમવાર દેશમાં કોરોના પોઝિટિવ થયેલી વિદ્યાર્થિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. વિદ્યાર્થિનીમાં કોરોનાના લક્ષણો હળવા જોવા મળ્યાં હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કેરળની વિદ્યાર્થિની ચીનના વુહાનમાં અભ્યાસ કરતી હતી. વુહાનમાં કોરોનાની મહામારી ફાટી નીકળતા વિદ્યાર્થીની પરત ભારત આવી હતી. ગયા જાન્યુઆરી મહિનામાં વુહાનથી વિદ્યાર્થિની પોતાના વતન કેરલના થિસ્રુર આવી હતી. વુહાનથી પરત ફર્યા પછી વિદ્યાર્થિની પાછી ફરી ન હતી અને કેરળ સ્થિત તેના ઘરેથી ઓનલાઇન તેના વર્ગ ભરતી હતી. ગત માર્ચ મહિનામાં વિદ્યાર્થિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દેશમાં આ વિદ્યાર્થિનો પ્રથમ કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન દોઢ વર્ષ બાદ ફરીથી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે.
કેરળના થ્રિસુરના ડીએમઓ ડો. કે. જે. રીનાએ કહ્યું કે ‘તેનો આરટી-પીસીઆર રિપોર્ટ સકારાત્મક છે જ્યારે એન્ટિજેન નેગેટિવ. તેને એસિમ્પ્ટોમેટિક ચેપ લાગ્યો છે. વિદ્યાર્થિની હવાઇ માર્ગે દિલ્હી જવા ઇચ્છતી હતી અને આ માટે તેણે કોવિડ પરીક્ષણ કરાવ્યું હતું. પરીક્ષણ પોઝિટિવ આવ્યા પછી દરેકને આશ્ચર્ય થયું. જો કે, ચિંતા કરવાની કંઈ જરૂર નથી. તેનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યાં છે.