
અમદાવાદ અને કચ્છમાં સ્ટીલ કંપનીઓ પર 18 સ્થળો આઈટીના સાગમટે દરોડા
અમદાવાદઃ રાજ્યમાં ઈન્કમટેક્સ વિભાગે માર્ચ એન્ડિંગ પહેલા ટેક્સ આવકનો ટાર્ગેટ પુરો કરવા માટે કરચોરો સામે સર્ચની કામગીરી હાથ ધરી છે. ઈન્કમટેક્સ વિભાગે અમદાવાદ તેમજ કચ્છમાં સ્ટીલના બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓના 18 સ્થળે સાગમટે દરોડા પાડ્યા હતા. દરોડા અને સર્ચની કાર્યવાહી મંગળવારે વહેલી સવારે હાથ ધરવામાં આવી હતી. મોડી રાત સુધી ચાલેલા દરોડામાં ઈન્કમટેક્સના 100થી વધુ અધિકારી જોડાયા હતા. ઈન્કમટેક્સના સર્ચને લીધે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ અને સામખિયાળી પાસે આવેલી સ્ટીલ કંપનીમાં સર્ચ અને દરોડાની કાર્યવાહી બુધવારે પણ ચાલુ રહી હતી. નવા કેલેન્ડર વર્ષમાં ગુજરાતમાં આ પ્રથમ દરોડા છે. શહેરના પાલડીમાં આવેલી સ્ટીલ કંપનીની ઓફિસ તથા સંચાલકોના નિવાસસ્થાન સહિત ડઝનથી વધુ સ્થળે અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો. ઉપરાંત કચ્છના સામખિયાળી હાઈવે પર પણ આવેલી ઓફિસો પર અમદાવાદ અને ગાંધીધામના અધિકારીઓની ટીમ પોલીસ સાથે પહોંચી ગઈ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કંપનીના ગેટ અને ઓફિસમાં પોલીસ કાફલો ગોઠવાઈ ગયો હતો. સર્ચ ઓપરેશનમાં આયકર વિભાગને બિનહિસાબી વ્યવહારો કે અન્ય કોઈ દસ્તાવેજ હાથ લાગ્યા કે નહીં તેની કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ કરોડોની કરચોરી પકડાયાની આશંકા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ અને કચ્છના સ્ટીલ એકમ પર દોઢ ડઝનથી વધુ સ્થળોએ દરોડા અને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે 100થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો. દરોડામાં રાજકોટથી પણ અધિકારીઓની બે ટીમોને તપાસમાં સામેલ કરવામાં આવી હતી.