 
                                    ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત છ રાજ્યોને કેન્દ્ર સરકારની રૂ. 3 હજાર કરોડની આર્થિક સહાય મંજૂર
દિલ્હીઃ ગુજરાત સહિત છ રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા કુદરતી આફતોને પગલે રૂ. 3 હજાર કરોડથી વધારેની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. આ રાજ્યો વાવાઝોડા ઉપર પૂર અને ભુસ્ખલનને પગલે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય મંજુર કરાઈ છે. અગાઉ ગુજરાત અને પશ્ચિમ બંગાળને વાવઝાડાને પગલે આર્થિક મદદ કરવામાં આવી હતી. આમ કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2021-22માં 28 રાજ્યોને તેમના SDRFમાં રૂ. 17,747.20 કરોડ તથા NDRF તરફથી 7 રાજ્યોને રૂ. 3,543.54 કરોડ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC) દ્વારા ગુજરાત સહિત છ રાજ્યને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) હેઠળ વધારાની કેન્દ્રીય આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. આ રાજ્યો વર્ષ 2021 દરમિયાન પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાથી અસરગ્રસ્ત થયા હોવાથી સહાય આપવામાં આવશે. HLC દ્વારા NDRFમાંથી રૂપિયા 3,063.21 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરવામાં આવી છે. ‘તાઉતે’ વાવાઝોડા – 2021 માટે, ગુજરાતને રૂ.1,133.35 કરોડ, ‘યાસ’ વાવાઝોડા – 2021 માટે, પશ્ચિમ બંગાળને રૂ.586.59 કરોડ, 2021ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર-ભૂસ્ખલન માટે આસામને રૂ. 51.53 કરોડ, કર્ણાટકને રૂ. 504.06 કરોડ, મધ્યપ્રદેશને રૂ. 600.50 કરોડ અને ઉત્તરાખંડને રૂ. 187.18 કરોડ સહાય કરાઈ છે. વધારાની આ આર્થિક સહાય કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ એટલે કે SDRFમાં રાજ્યોને આપવામાં આવેલા ભંડોળ કરતાં વધુ છે, જે પહેલાથી જ રાજ્યોને ખર્ચ કરવા માટે આપી દેવાયું છે.
‘તાઉતે’ અને ‘યાસ’ વાવાઝોડું આવ્યા પછી તા. 20મી મે 2021ના રોજ ગુજરાતને NDRF તરફથી રૂ. 1,000 કરોડ આપવામાં આવ્યા હતા અને 29મી મે 2021ના રોજ પશ્ચિમ બંગાળને રૂ. 300 કરોડ આપવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કેન્દ્ર સરકારે 28 રાજ્યોને તેમના SDRFમાં રૂપિયા 17,747.20 કરોડ આપ્યા છે. આ ઉપરાંત, NDRF તરફથી 7 રાજ્યોને રૂપિયા 3,543.54 કરોડ આપવામાં આવ્યા છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

