Site icon Revoi.in

વેનેઝુએલાઃ સાન ફ્રાન્સિસ ઓફ અસીસના તહેવારની અનોખી રીતે ઉજવણી કરાઈ

Social Share

વેનેઝુએલાના આરાગુઆ રાજ્યના સાન ફ્રાન્સિસ્કો ડી એસિસનગરમાં શુક્રવારે સાન ફ્રાન્સિસ ઓફ અસીસના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે અહીં 80 જેટલા રંગેલા અને શણગારેલા કાચબાઓની દોડ યોજવામાં આવી હતી, જેણે તાજેતરના વર્ષોમાં સૌથી મોટી ભાગીદારી નોંધાવી છે. સાન ફ્રાન્સિસ્કો ડી એસિસ ચર્ચની બહાર બાળકો અને પુખ્ત વયના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ઉત્સાહભેર પોતાના કાચબાઓને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. આ દોડના આયોજક મેન્યુઅલ ફ્રેન્કોએ જણાવ્યું હતું કે આ એક પ્રિય પરંપરા છે, જે સમુદાય, ખાસ કરીને બાળકોના મનોરંજન માટે “ઉત્સાહ સાથે” કરવામાં આવે છે. દોડમાં ભાગ લેનારા સ્પર્ધકોને સમાપ્તિ રેખા તરફ આકર્ષિત કરવા માટે લોકો તેમને લેટીસ એટલે કે સલાડમાં વપરાતું પાંદડું બતાવી રહ્યા હતા, જેનાથી કાચબાઓ આગળ વધવા પ્રેરાય. 

આ રેસમાં વિજેતા તરીકે રોબર્ટો નામનો કાચબો જાહેર થયો હતો, જેની ઉંમર 20 વર્ષ છે. આ કાચબાના માલિક વિક્ટર માર્ટિનેઝ છે. રોબર્ટો માટે આ તેની પ્રથમ જ રેસ હતી, જેમાં તેણે પ્રથમ સ્થાન મેળવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રહેવાસી ક્લાઉડિયા બારિઓસના જણાવ્યા અનુસાર, કાચબાની આ દોડ વાર્ષિક પેટ્રન સંત ઉત્સવની “સૌથી આકર્ષક અને લાક્ષણિક ઘટનાઓ” પૈકીની એક બની ગઈ છે. આ અનોખી ઉજવણી સાન ફ્રાન્સિસ ઓફ અસીસના સત્તાવાર તહેવારના દિવસ, 4 ઓક્ટોબરના એક દિવસ પહેલા કરવામાં આવી હતી. સાન ફ્રાન્સિસ ઓફ અસીસને પ્રાણીઓના આશ્રયદાતા સંત માનવામાં આવે છે.

Exit mobile version