અમદાવાદ, 22 જાન્યુઆરી 2026: શહેર નજીક આવેલા નળ સરોવર તેમજ થોળના પક્ષી અભ્યારણ્યમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે. તેના લીધે તારીખ 31 જાન્યુઆરીને શનિવારે અને 1 ફેબ્રુઆરીને રવિવારે થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ તથા સામાન્ય જનતા માટે બંધ રહેશે.
અમદાવાદની નજીક આવેલાં બે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય થોળ અને નળસરોવરમાં આગામી દિવસોમાં યોજાનારી પક્ષી ગણતરીને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ તારીખ 31 જાન્યુઆરીને શનિવારે અને 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ તથા સામાન્ય જનતા માટે બંધ રહેશે. આ બંને દિવસો દરમિયાન જળાશયમાં આવતા દેશી તથા વિદેશી પક્ષીઓની વાર્ષિક ગણતરી (Bird Census) નું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષી ગણતરીની કામગીરી શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં થાય અને પક્ષીઓને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે હેતુસર આ નિર્ણય લેવાયો છે.
ગાંધીનગર ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન ડૉ. જયપાલ સિંઘ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ-28 તથા કલમ-33 હેઠળ મળેલી સત્તાની રૂએ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા સ્થાનિક રહેવાસીઓ અને જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે પક્ષી ગણતરીના આ મહત્વપૂર્ણ કાર્યમાં તંત્રને સંપૂર્ણ સહયોગ આપે અને ગણતરીમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન સર્જાય તેની તકેદારી રાખે.
ઉલ્લેખનીય છે કે, થોળ અને નળ સરોવર અમદાવાદ, ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોના સહેલાણીઓ માટે મહત્વના પ્રવાસન સ્થળ છે. શિયાળામાં અહીં લાખોની સંખ્યામાં દૂર-દુરથી પક્ષીઓ સ્થળાંતર કરી આવતા હોય છે જેના કારણે આ સ્થળો પક્ષીઓના નજારાને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.

