આફ્રિકાના સૌથી મોટા ઓઈલ પ્રોડ્યુસર દેશ નાઈજીરિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. નાઈજીરિયાના ઓઈલ-રિચ રિવર્સ સ્ટેટમાં ઓઈલ ચોરી કરવા ગયેલા ઓછામાં ઓછા 37 લોકોના ઝેરી ગેસ ગળતરથી શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. આ ઘટના ઓક્રીકા લોકલ ગવર્મેન્ટ એરિયાની ઓકારી જેટી પર બની હતી.
અહેવાલ મુજબ, ‘ધ યુથ્સ એન્ડ એનવાયર્નમેન્ટલ એડવોકેસી સેન્ટર’ નામના ગ્રૂપે જણાવ્યું હતું કે મૃતકો ગેરકાયદેસર રીતે ટેપિંગ પોઈન્ટથી બોટમાં ક્રૂડ ઓઈલ કાઢી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ભારે પ્રેશર સાથે ઝેરી ગેસ અને ધુમાડો લીક થવા લાગ્યો હતો, જેને શ્વાસમાં લેવાથી લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં હજુ પણ અનેક લોકો લાપતા હોવાની આશંકા છે, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા સેવાઈ રહી છે.
રિવર્સ સ્ટેટ પોલીસ પ્રવક્તા બ્લેસિંગ અગાબેએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે પોલીસ કમાન્ડ દ્વારા સમગ્ર મામલાની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, પ્રશાસન દ્વારા હજુ સુધી સત્તાવાર મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ પીડિતો ગેરકાયદેસર રીતે કાચું તેલ ચોરવાના પ્રયાસમાં હતા.
નાઈજીરિયાના નાઈજર ડેલ્ટા વિસ્તારમાં ક્રૂડ ઓઈલની ચોરીની ઘટનાઓ અત્યંત સામાન્ય છે. દાયકાઓથી ચાલી રહેલા ઓઈલ માઈનિંગને કારણે આ વિસ્તારમાં ગરીબી અને પર્યાવરણીય પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક સપાટીએ પહોંચ્યું છે. નાઈજીરિયન સરકારના આંકડા મુજબ, ઓઈલ ચોરીના કારણે દેશને દર વર્ષે અબજો ડૉલરનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે, જેને અટકાવવા માટે સરકારે સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી વધુ તેજ બનાવી છે.


