HomeAgency Newsફ્લાઈટમાં મારીમારી કરનાર યુવકને લોકોએ 'ડક્ટ ટેપ'થી સીટ સાથે બાંધ્યો; વિમાનનું ઈમર્જન્સી...

ફ્લાઈટમાં મારીમારી કરનાર યુવકને લોકોએ ‘ડક્ટ ટેપ’થી સીટ સાથે બાંધ્યો; વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ

વોશિંગ્ટન, 5 સપ્ટેમ્બર, 2026: અમેરિકાના ડલ્લાસ-ફોર્ટ વર્થથી નેવાર્ક જઈ રહેલી અમેરિકન એરલાઇન્સની એક ફ્લાઇટમાં તે સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે એક મુસાફરે અચાનક આપો ગુમાવ્યો અને સહ-મુસાફર સાથે હિંસક વર્તન કરવા લાગ્યો.

ટેક-ઓફ કર્યાના લગભગ બે કલાક પછી આરોપી મુસાફરે બૂમો પાડવાનું શરૂ કરી દીધું અને પોતાની બાજુમાં બેઠેલા સહ-મુસાફરની ગરદન પકડીને તેના પર હુમલો કરી દીધો.

આ દરમિયાન જ્યારે ફ્લાઇટ એટેન્ડન્ટે પરિસ્થિતિ શાંત પાડવાનો પ્રયાસ કર્યો, તો આરોપી મુસાફર તેમની સાથે પણ ગેરવર્તણૂક કરવા લાગ્યો. તેણે ક્રૂ મેમ્બર પર વંશીય (નસ્લવાદી) અને સમલૈંગિક વિરોધી ટિપ્પણીઓ કરી, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ.

મુસાફરો અને ક્રૂએ મળીને ઝિપ ટાઈ તથા ડક્ટ ટેપથી બાંધ્યો

મુસાફરના વધતા હિંસક વર્તનને જોઈને ફ્લાઇટમાં સવાર નિવૃત્ત પોલીસ અધિકારી જુઆન મેજિયા અને અન્ય એક મુસાફરે તરત જ આગળ આવીને મામલામાં હસ્તક્ષેપ કર્યો અને હિંસક મુસાફરને ઝિપ ટાઈ તથા ડક્ટ ટેપ વડે સીટ પર બાંધીને કાબૂમાં લીધો.

એક મુસાફર દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં જોવા મળ્યું કે તે વ્યક્તિના કાંડા, ધડ અને માથાની આસપાસ ટેપના કેટલાક પટ્ટા વીંટાળેલા હતા.

બાલ્ટીમોરમાં કરાવાઈ  ઈમર્જન્સી લેન્ડિંગ

મુસાફરના હંગામાને જોઈને પાયલટે ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો અને વિમાનનું બાલ્ટીમોર-વોશિંગ્ટન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાકીદનું ઉતરાણ કરાવવામાં આવ્યું. બાલ્ટીમોર પહોંચતા જ સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓ અને પોલીસે આરોપી મુસાફરને વિમાનમાંથી નીચે ઉતારીને પોતાની કસ્ટડીમાં લઈ લીધો. ત્યારબાદ ફ્લાઇટે નેવાર્ક માટે પોતાની આગળની મુસાફરી શરૂ કરી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular