- CM ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાયું,
- ટ્રેડ શોમાં નાણામંત્રી, આરોગ્ય મંત્રી, અને ઉદ્યોગ મંત્રી ઉપસ્થિતિ રહ્યા,
- વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન,
મહેસાણાઃ ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણામાં આયોજિત VGRCમાં ટ્રેડ શૉ અને એક્ઝિબિશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ VGRC પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યાં વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને ટકાઉ આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા માટે ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, MSMEs, સ્ટાર્ટઅપ્સ, વિદેશી ખરીદદારો, મોટી કંપનીઓ, સરકારી વિભાગો, PSUs અને વૈશ્વિક ભાગીદારોને એકસાથે લાવવાનો પ્રયાસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ 18 હજાર વર્ગ મીટરના વિશાળ પ્રદર્શન ક્ષેત્રમાં ટ્રેડ શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા તેમજ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા 400થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યાં છે.
આ સિવાય ટોરેન્ટ, વેલ્સ્પન, NHPC, NTPC, કોસોલ, સુઝલોન, અવાડા, નિરમા, INOX, અદાણી, મારુતિ સુઝુકી, પાવરગ્રીડ કૉર્પોરેશન લિમિટેડ અને ONGC જેવી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ પણ જોડાઈ છે.
આ ઉપરાંત પ્રદર્શનના ભાગરૂપે, દૂધસાગર ડેરી, ONGC, વેસ્ટર્ન રેલ્વે અને મકેન ફૂડ્સ જેવી સંસ્થાઓ સાથે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP)નું આયોજન કરવામાં આવશે, જેનો હેતુ ઉદ્યોગ જોડાણોને મજબૂત બનાવવા અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ની ભાવના સાથે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગસાહસિકતા, ગ્રામ્ય સ્તરે નવીનતા અને સામુદાયિક વિકાસની શક્તિનો ઉત્સવ મનાવશે. આ આયોજન ક્ષેત્રિય સશક્તિકરણ, વૈશ્વિક સહયોગ અને ટકાઉ પ્રગતિને નવી ઊર્જા આપશે જેનાથી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં વધુ મજબૂતી આવશે.
આ ટ્રેડ શૉ અને એક્ઝિબિશન ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, એનર્જી વિભાગના એસીએસ હૈદર, વિવિધ વિભાગોના સચિવો, જિલ્લા કલેકટર એસ.કે પ્રજાપતિ, તેમજ તેમજ રાજ્ય સરકારના વિભાગના અધિકારીઓ/ પદાધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.