Site icon Revoi.in

લખતર બસ સ્ટેન્ડ પાસે હાઈવેના રોડ સાઈડના ખાડાઓમાં પાણી ભરાતા થતો ટ્રાફિક જામ

Social Share

સુરેન્દ્રનગરઃ લખતર બસ સ્ટેન્ડ નજીક હાઈવે સાઈડ પર ઠેર ઠેર ખાડાઓ પડેલા છે. અને તાજેતરમાં વરસાદને કારણે ખાડાંમાં પાણી ભરાઈ ગયા છે. તેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ રૂટ્સ પરની એસટી બસો પણ ટ્રાફિક જામમાં ફસાતા મોડી પડી રહી છે.

લખતર બસ સ્ટેન્ડ નજીક સ્ટેટ હાઈવેના નવનિર્માણનું કામ ચાલુ છે. જ્યાં સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ કોઈ કારણોસર તા.14-10-24ના રોજ સવારે કોઈ કારણોસર રોડનું કામ બંધ રાખવામાં આવ્યું હતું. તો રોડની સાઈડમાં ખાડા પડ્યા હતા અને પાણી ભરાયા હતા.જેના લીધે સવારમાં જ મોટાપાયે ટ્રાફિક જામ થયો હતો. આ ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને 100 મીટર પાર કરવામાં અડધા-પોણા કલાક જેટલો સમય લાગ્યો હતો. તો આ ટ્રાફિકના કારણે એસટી બસોને ખાસ્સી અસર થઈ હતી. બસો એક-એક કલાક મોડી પહોંચી હતી. આ કામ કોઈ શખ્સોએ બંધ કરાવ્યું હોવાનું બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઉપસ્થિત લોકો દ્વારા સાંભળવા મળ્યું હતું. રોડનું કામ કેમ બંધ રહ્યું તે કારણ બહાર આવ્યું ન હતું. પરંતુ કામ બંધ રહેતા મુસાફરો અને વાહનચાલકો ભારે પરેશાન થયા હતા. શનિ-રવિની રજા બાદ સોમવારે એસટી બસોમાં નોકરીએ જવા માટે મુસાફરોની ભારે ભીડ હતી. તેવામાં બસો ટ્રાફિકમાં ફસાઈ હતી. જેના કારણે બસો એક-એક કલાક જેટલી મોડી પડી હતી. જેને કારણે મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો.

 

 

Exit mobile version