
વડોદરાઃ શહેરમાં બાળકોને શાળાએ લઈ જતાં અને લાવતા સ્કુલ વેન અને રિક્ષાઓ ટ્રાફિકની નિયમોનું પાલન કરતા ન હોય તેમજ સ્કુલવેન અને રિક્ષાઓમાં નિયમ કરતા વધુ બાળકોને બેસાડાતા હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડ્રાઈવ યોજીને 300 જેટલા સ્કુલ વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. આ તમામ વાહનચાલકોને આરટીઓનો મેમો આપવામાં આવ્યો છે અને વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આ વાહનો પૈકી આરટીઓ વિભાગ દ્વારા 19 વાહનચાલકોએ રૂપિયા 1 લાખ 90 હજારનો દંડ ભરી વાહનો છોડાવ્યા છે. જ્યારે અન્ય વાહનચાલકો હજુ પોતાના વાહનોનો દંડ ભર્યો નથી.
ગુજરાતભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઊજવાય રહ્યો છે. જે અંતર્ગત વાહનો ઉપર રિફ્લેક્ટર લગાવવા, રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરતા વાહનો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ/પશ્ચિમ ઝોનમાં કુલ 15 ટીમ બનાવી વડોદરા શહેર વિસ્તારમાં આવેલા અલગ અલગ સ્કૂલો પાસે ઉભા રહી, સ્કૂલવાન/સ્કૂલ રિક્ષામાં જોખમી રીતે નિયત મર્યાદા કરતા વધુ બાળકો/વિદ્યાર્થીઓ બેસાડી વાહન ચલાવતા 300 જેટલા વાહન ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી મહિનામાં આર.ટી.ઓ વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આર.ટી.ઓ વિભાગ દ્વારા 228 ઓવરલોડ વાહનો સામે 27 લાખ 49 હજાર, 241 ઓડિસી વાહનો સામે 12 લાખ 54 હજાર, 179 રોડ સેફ્ટી 1 લાખ 79 હજાર, 127 અન્ય 20 લાખ 01 હજાર 706 અને 22 વાહનોને ટેક્સ ડિફોલ્ટના કારણે ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ તમામ કાર્યવાહીમાં કુલ જાન્યુઆરી મહિનામાં 775 વાહનો પાસેથી રૂપિયા 61 લાખ 83 હજાર 706 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતા. પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીમાં જો ટૂ-વ્હીલર વાહન ચાલક પાસે લાયસન્સ ન હોય તો 2 હજાર રૂપિયા જ્યારે ટૂ-વ્હીલર કરતા વધુ પૈડાવાળા વાહનો પર 3 હજારનો દંડ વસુલવામાં આવે છે. જ્યારે પીયુસી ન હોય તો તમામ વાહનોને 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. તે જ રીતે કોઈપણ વાહનના ઇન્સ્યોરન્સ ન હોય ત્યારે રૂપિયા 2 હજારનો દંડ વસૂલવામાં આવે છે. જો વાહન ચાલક પાસે નંબર પ્લેટ યોગ્ય ન હોય તો ટૂ-વ્હીલર વાહન ચાલકને 300-300 રૂપિયા, થ્રી વ્હીલર વાહન ચાલકે 400 અને LMV વાહન ચાલાકી 500 અને અન્ય વાહન ચાલકે 1 હજાર રૂપિયા દંડ ભરવો પડે છે. જો કોઈ વાહનચાલક રોંગ સાઈડ આવે તો તેમાં ટૂ અને થ્રી-વ્હીલર સામે 1500 રૂપિયા, ફોર વ્હીલર વાહન સામે 3000 અને અન્ય વાહન ચાલક સામે 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.
વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્કૂલ વેન અને રિક્ષા ચાલક ટેક્સી પાસિંગ ન હોવા છતાં બાળકોને લઇ જવા અને મુકવા માટે ઉપયોગ કરે છે. આ આરટીઓ દ્વારા જાહેર કરેલી એડવાઇઝરી વિરુદ્ધ છે. સ્કૂલ વેન ચાલકો દ્વારા યોગ્ય રીતે આ પાસિંગ કરવું જોઈએ અને નિયમો આધીન બાળકોને લઇ અને મુકવા જવું જોઈએ. હાલમાં કરેલી કાર્યવાહીમાં કેટલાય વાહન ચાલકો પાસે લાયસન્સ, પીયૂસી, ઇન્સ્યોરન્સ કે ક્ષમતા કરતા વધુ બાળકો ભરેલા હોવાથી આ કાર્યવહી કરવામાં આવી છે.